નડિયાદ,તા.૨૧
મહુધા પોલીસ મથકમાં આસિસ્ટંટ સબ ઇનસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ડાહ્યાભાઇ પરમાર (ઉ.વ.૫૭) બુધવારે રાત્રે પોતાની ફરજ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે મહેમદાવાદ જવા માટે નીકળ્યા હતા. તેઓ વાંઠવાળી નજીક મહેમદાવાદ જવાના માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે સમયે એક કારના ચાલકે તેમને અડફેટે લેતાં તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ભરતભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે ભરતભાઇ ૨૦૧૮ થી મહુધા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા અને તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ નિવૃત્ત થવાના હતા.
નડિયાદ શહેરમાં રહેતા આશિષભાઇ દિલીપભાઇ તળપદા (ઉ.વ.૩૫) તથા તેમના ભાઇ કિરીટભાઇ રાવજીભાઇ તળપદા (ઉ.વ.૩૨) સાથે તેમના કાકાના દીકરાના લગ્નની કંકોત્રી આપવા માટે ડાકોર તરફ જઇ રહ્યા હતા. તેઓ ઘરેથી થોડાજ આગળ ડાકોર તરફ નીકળ્યા હતા ત્યાં તંબુ ચોકી પાસે ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતાં આશિષભાઇ અને કિરીટભાઇ માર્ગ ઉપર પટકાયા હતા. જેમાં આશિષભાઇને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કિરીટભાઇને ઇજા થતાં તેમને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
કારે ટક્કર મારતા બાઇકસવાર એએસઆઈનું મોત નીપજ્યું

Leave a Comment