ત્રણ જ મહિનામાં સ્થિતિ બદલાઇ ગઇ, 170 દેશોમાં વિકાસદર નકારાત્મક થવાની આશંકા
વોશિંગટન,
દુનિયા પર છવાયેલા કોરોના મહામારીના વધતા જતા ખતરા વચ્ચે IMFની મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલીના જાર્વીવાએ આગામી સમયમાં ભયાનક આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરી છે.તેમના જણાવ્યા મુજબ કોરોના મહામારીને લીધે થંભી ચૂકેલી દુનિયા 1930 પછી સૌથી મોટી આર્થિક મંદીની કગાર પર આવી પહોંચી છે.ગુરુવારે પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યુ કે,વૈશ્વિક વિકાસ 2020માં તેજી ખૂબ જ ઝડપથી નકારાત્મક દિશામાં જશે અને 170થી વધુ દેશોમાં આ વર્ષે પ્રતિ વ્યક્તિ દીઠ વિકાસદર નકારાત્મક થશે.
IMF ચીફે જણાવ્યુ કે,આ સ્થિતિ અંગે પહેલેથી જ સ્પષ્ટતા થઇ ચૂકી હતી કે,વૈશ્વિક વિકાસ 2020માં વિકાસદર નકારાત્મક રહેશે.હકીકતમાં સમગ્ર વિશ્વ સંભવિત એક મહામંદી તરફ આગળ વધી રહ્યો છે.વિશ્વની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યુ કે કોરોના વાયરસને લીધે વિશ્વની અર્થવ્યવસ્થામાં 1930ની મહામંદી પછીની સૌથી મોટો કડાકો આવી શકે છે.
જાર્વીવાએ જણાવ્યુ કે માત્ર ત્રણ જ મહિના પહેલા અમારુ અનુમાન હતું કે વિશ્વના 160 સભ્ય દેશોમાં આ વર્ષે પ્રત્યેક વ્યક્તિ દીઠ આવક વધશે, પરંતુ હવે સ્થિતિ બદલાઇ ચૂકી છે.હવે 170 દેશોમાં વિકાસદર નકારાત્મક થાય એવા સંકેત મળી રહ્યા છે.આ દરમિયાન આર્થિક રીતે નબળા દેશોને સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે.
IMF ચીફે કહ્યુ કે,ગીચ વસ્તી ઘરાવતા શહેરો અને ગરીબી સામે ઝઝૂમી રહેલી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકો સામે કોરોના મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે.