– ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં વસતા ભારતીયો મોટા પ્રમાણમાં કોરોનાનો શિકાર બન્યા
એજન્સી,વોશિંગટન
કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં 40થી વધારે ભારતીય અમેરિકન્સ અને ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે ભારતીય મૂળના 1500થી વધારે લોકો આ મહામારીનો ભોગ બન્યા છે. અમેરિકમાં ભારતીય સમુદાયના અગ્રણીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
અમેરિકા દુનિયાનો પહેલો દેશ બની ચૂક્યો છે જ્યાં એક દિવસમાં 2000થી વધુ લોકોએ કોરોનાને લીધે દમ તોડ્યો હોય. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ વિતેલા 24 કલાકમાં 2108 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે પાંચ લાખથી વધારે લોકો કોરોના મહામારીનો શિકાર બન્યા છે.
અમેરિકામાં કોરોના મહામારીનુ કેન્દ્ર બની ચૂકેલા ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં અત્યાર સુધી સૌથી વધારે મોત થયા છે. અહીં ભારતીયોની વસતી વધારે છે. મૃત્યુ પામેલા લોકોમાં 17 લોકો કેરળના, 10 ગુજરાતના, ચાર લોકો પંજાબ, આંધ્રપ્રદેશના બે અને ઓડિશાનો એક વ્યક્તિ સામેલ છે.
પેન્સિલવેનિયા અને ફ્લોરિડામાં ચાર ભારતીયોના મોત થયા હોવાના અહેવાલ છે. ટેક્સાસ અને કેલીફોર્નિયામાં એક-એક વ્યક્તિની મોત થઇ હોવાના ખાતરી કરવામાં આવી છે.
અમેરિકામાં ભારતીય સમુદાયના સ્થાનિક નેતાઓ મુજબ ન્યૂજર્સીમાં 400થી વધારે અને ન્યૂયોર્કમાં 1000થી વધારે ભારતીય-અમેરિકન કોરોના વાયરસનો શિકાર બન્યા છે.