બૈજીંગ, તા. ૪ : કોરોના વાયરસ વિશ્વ માટે અભિશાપ બની ગયો છે. તેના કારણે વિશ્વમાં લગભગ ૬૦ હજાર લોકો મોતને ભેટી ચૂકયા છે,પણ આ મહામારીને જન્મ આપનાર ચીન હજુ પણ તેની સચ્ચાઇ દુનિયા સામે લાવતો નથી.હવે સમાચારો આવ્યા છે કે કોરોના વાયરસ બાબતે સૌથી પહેલા માહિતી આપનારી ચીની ડોકટર એઇ ફેન ગાયબ છે.ડોકટર એઇ ફેન વુહાનની સેન્ટ્રલ હોસ્પિટલની ઇમર્જન્સી વિભાગની ડાયરેકટર છે જયાં કોરોનાનો સૌથી પહેલો કેસ આવ્યો હતો.સરકાર દ્વારા સંચાલિત એક મેગેઝીનને ઇન્ટરવ્યુ આપ્યા પછીથી તે ગાયબ છે.તે ઇન્ટરવ્યુ પણ ડીલીટ કરી દેવાયો છે.ઇન્ટરવ્યુંમાં તેણે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે કેવી રીતે ચીની અધિકારીઓએ જીવલેણ કોરોના વાયરસની માહિતીઓ છૂપાવવાની કોશિષ કરી હતી.ડોકટર ફેને પોતાના ઇન્ટરવ્યુમાં વિસ્તાર પૂર્વક જણાવ્યું હતું કે ચીનને ડીસેમ્બર ર૦૧૯માં જ આ વાયરસ અંગે જાણ થઇ ગઇ હતી,પણ તેને રોકવા માટે કંઇ નહોતું કરાયું.ઝી ગ્રુપની આંતરરાષ્ટ્રીય ચેનલ વીઓન ફેનના દાવાઓની તપાસ કરી રહી છે.શુક્રવારે ફેનનો એક ઇન્ટરવ્યુ વીએનમાં હાથમાં આવ્યો જે ઓરીજીનલ ઇન્ટરવ્યુનો અંગ્રેજી અનુવાદ છે તેને એક ચીની વેબસાઇટ પર પ્રકાશિત કરાયો છે.ઇન્ટરવ્યુ અનુસાર, જયારે કોરોનાનો પહેલો દર્દી આવ્યો ત્યારે ડોકટર એઇફેન હોસ્પિટલમાં જ હતી. આ એવો રોગ હતો જેને પહેલા કોઇ બીજા ડોકટરે નહોતો જોયો.તેમણે ઇન્ટરવ્યુંમાં કહ્યું કે દર્દીમાં ફલુના લક્ષણ દેખાતા હતા પણ તેની સારવારની સામાન્ય પદ્ધતિ કામ નહોતી આપતી.તેમણે દર્દીના કેટલાક ટેસ્ટ કરાવ્યા જેમાં જાણવા મળ્યું કે, તેને સાર્સ કોરોના વાયરસ હતો ફેને કહ્યું કે તેમણે પુષ્ટી કરવા માટે કેટલીય વાર તે દર્દીનો રીપોર્ટ વાંચ્યો પણ તારણ એ જ હતું, કોરોના વાયરસ.તેમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે,તેમણે રિપોર્ટનો ફોટો પાડયો અને એક મિત્રને મોકલી આપ્યો.ત્યાર પછી તે રિપોર્ટ આખા ચીનમાં વાયરલ થઇ ગયો.પછી ચીની અધિકારીઓ આખી બાબત પર ઢાંકપિછોડો કરવામાં લાગી ગયા.ત્યાં સુધી કે ફેનને પોલિસ તરફથી ચેતવણી પણ અપાઇ હતી.વુહાનની હોસ્પિટલે પણ ફેન દાવાની ચોકસાઇ કરવાના બદલે તેને છુપાવવામાં ચીનને સાથ આપ્યો. હવેે કોઇને ખબર નથી કે ડોકટર એઇફેન અત્યારે કયાં છે તેમનો ઓરીજીનલ ઇન્ટરવ્યું પણ ડીલીટ થઇ ચૂકયો છે.