– ત્રીજી બેઠક પર પણ જીત નિશ્ચિત બનાવવા બે-ત્રણ ધારાસભ્યોના રાજીનામા પડાવવાની ‘ગોઠવણ’ થઇ ગયાનો દાવો
સમગ્ર ગુજરાત કોરોનાના સામનામાં વ્યસ્ત છે ત્યારે ભાજપે કોરોના વચ્ચેથી સમય કાઢીને રાજ્યસભાની ચૂંટણીલક્ષી ઓપરેશન પાર પાડી દીધાના વાવડ છે.ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની જીતને નિશ્ચિત બનાવવા માટે ખૂટતા બે-ત્રણ ધારાસભ્યો સાથે ગોઠવણ થઇ ગયાનું ભાજપના વર્તુળો જણાવે છે.
રાજ્યસભાની ચુંટણી નવેસરથી જાહેર થયા બાદ આ રાજકીય ધડાકો કરવામાં આવશે.બે-ત્રેણ ધારાસભ્યો મતદાન પૂર્વે અથવા ભાજપ તરફી મતદાન કર્યા બાદ તુંરત ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેશે તેવો ભાજપના ટોચના વર્તુળોનો દાવો છે.રાજ્યસભા માટે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલને ટિકીટ આપી છે.ભાજપ વતી રમિલાબેન બારા,અભય ભારદ્વાજ અને નરહરિ અમીન ચુંટણી લડી રહ્યા છે.ચુંટણી જાહેર થઇ તે વખતના સંખ્યાબળ મુજબ ભાજપ કોંગ્રેસ બંન્ને બે-બે બેઠકો જીતવાની સ્થિતીમાં હતા ભાજપે કોંગ્રેસના પ ધારાસભ્યોને રાજીનામુ અપાવી દેતા કોંગ્રેસને બે બેઠકો જીતવામાં અને ભાજપને ત્રણ બેઠકો જીતવામાં કટોકટી થઇ ગયેલ.હાલની સ્થિતી મુજબ એનસીપીના ૧ અને બીટીપીના ૨ સભ્યો પરિણામમાં નિર્ણાયક બને તેમ છે.કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીની જાહેર થયેલ તારીખ ૨૬ માર્ચ પૂર્વે અઠવાડીયે પોતાના ધારાસભ્યોને જયપૂર ખસેડેલ.છેલ્લા દિવસોમાં તેમની પાસેથી મોબાઇલ ફોન પણ લઇ લેવામાં આવેલ.૨૬મીએ મતદાન થાય તે પૂર્વે તા.૨૫થી લોકડાઉન જાહેર થઇ જતા ચૂંટણી મુકૂફ રહેલ અને ધારાસભ્યો ગુજરાત પરત આવી ગયેલ.કોંગ્રેસના ધારાસભ્યો છુટા પડતા ભાજપે મોકાનો ફાયદો ઉઠાવી તેમાના અમૂકનો સંપર્ક કરેલ જેમાંથી બે-ત્રણને આકર્ષવામાં સફળતા મળ્યાનો ભાજપનો દાવો છે.હવે જ્યારે નવેસરથી મતદાનની તારીખ જાહેર થાય તે વખતે અથવા મતદાનના દિવસે ઓપરેશનની જાહેરાત કરવામાં આવશે.જો હજુ બે-ત્રણ ધારાસભ્યો ભાજપ તરફી મતદાન કરે અથવા ગેરહાજર રહે અથવા મતદાન પૂર્વે જ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દયે તો ભાજપના ત્રણેય ઉમદવારોની જીત એકદમ નિશ્ચિત થઇ જશે. રાજકારણમાં ગમે ત્યારે સંજોગો બદલાઇ જતાં હોય છે.સમય આવે ત્યારે સત્ય સોમ આવી જશે.