વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે અંદાજપત્ર 2020-21માં રાજ્ય સરકારે ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને વંચિતોના વિકાસને ખરા અર્થમાં ચિંતા કરી છે એટલે કે અમારી સરકાર ગરીબો, વંચિતો,પિડીતો અને ખેડૂતોની સરકાર છે. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રત્યુત્તર આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સરકારે બજેટમાં અનેકગણો વધારો કરી વિકાસના કાર્યોને વેગ આપી ગુજરાત ઉત્તમમાંથી સર્વોત્તમ બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે જણાવ્યું કે હવે 24 કલાક વીજળી મળતી થઇ છે અગાઉ વીજ જોડાણ મેળવવા માટે પણ લાઇનમાં ઊભા રહેવું પડતું હતું.
ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અગાઉ રાજ્ય બહાર જવું પડતું હતુ પરંતુ ‘સ્ટડી ઇન ગુજરાત’ અભિયાન હેઠળ માત્ર રાજ્યના જ નહીં પણ અન્ય દેશના વિદ્યાર્થીઓને પણ ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસની તકો પૂરી પાડી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં દુષ્કાળ પ્રથા સંપૂર્ણ બંધ થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નલ સે જલ’ સ્વપ્નને સાકાર કરવા રાજ્યના છેવાડાના માનવીને પીવાનું શુદ્ધ પાણી તેના ઘર સુધી પહોંચાડવામાં આવશે. વિકાસની સાથે રાજ્યના યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ નંબરે છે. ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બન્યું છે ત્યારે આવનાર દિવસોમાં પ્રધાનમંત્રીનું ભારતને પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના સ્વપ્નમાં ગુજરાત યોગદાન આપે તેવું આયોજન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારે કર્યુ છે.
તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારે વર્ષ 2002 સુધીમાં 7.73 લાખ વીજ જોડાણ આપ્યા હતા, જ્યારે અમારી સરકારે વર્ષ 2002 થી 2019 સુધીમાં 10 લાખથી વધુ કૃષિ વીજ જોડાણ આપ્યા છે. ખેડૂતો વતી વીજ સબસિડી પેટે વીજ કંપનીઓને રૂા.7338 કરોડ ચૂકવ્યા છે.
ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, અમારી સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે. ખેડૂતોને જંગલી પ્રાણીઓથી રક્ષણ મળે અને રાત્રે નિરાંતે આરામ કરી શકે તે હેતુથી તમામ ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી આપવા આ અંદાજપત્રમાં નવી ‘દિનકર યોજના’ જાહેર કરી છે જે માટે કુલ રૂા. 3500 કરોડમાંથી આ વર્ષે રૂા.500 કરોડ ફાળવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોને વર્ષે રૂા.3186 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ગુજરાતમાં આ વર્ષે આવેલા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નૂકસાનીના વળતર પેટે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર રૂા.3795 કરોડનું પેકેજ ખેડૂતોને આપવામાં આવ્યું છે. ગરીબ અને વિધવા બહેનોને સન્માન માટે ગંગા સ્વરૂપા યોજના હેઠળ આર્થિક સહાય પેટે અપાતા રૂા.1000 વધારી હવે રૂા.1250 કરવામાં આવ્યા છે.
તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ બજેટમાં ગરીબો અને વૃદ્ધો માટે રૂા.117 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓના ગણવેશ અને શિષ્યવૃત્તિ પેટે રૂા.1298 કરોડની જોગવાઇ કરાઇ છે. રૂા.700 કરોડના ખર્ચે તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં સમરસ છાત્રાલયો બનાવવામાં આવ્યા છે. બાંધકામ શ્રમિકોને કામના સ્થળે જવા-આવવા વિનામૂલ્યે મુસાફરી માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમિક મહિલાને પ્રસૂતિ સમયે અપાતી રૂ. 7,500ની સહાય વધારીને પ્રસૂતિ પહેલાના બે માસ અને પછીના બે માસ એમ કુલ રૂ. 20,000ની સહાય આપવાની જોગવાઈ કરાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગરીબ માતા-પિતાના સંતાનો માટે સમૂહલગ્ન સમયે અપાતી પ્રોત્સાહન રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. યુગલદીઠ અપાતી રૂ. 10,000ની સહાય વધારીને રૂ. 12,000 કરાઈ છે તેમ જણાવી તેમણે કહ્યું હતુ કે, ગરીબો માટે કામ કરતી અમારી સરકારે 1530 ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા 1 કરોડ 47 લાખ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવી છે જે માટે અત્યાર સુધીમાં રૂા.26 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગરીબોને વિવિધ સરકારી સેવાઓનો ઘરે બેઠા લાભ મળે તે માટે ‘સેવાસેતુ’ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 95.85 ટકા સેવાઓનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે. ગરીબો માટે આશિર્વાદ સમાન ‘મા’ યોજના અંતર્ગત હાલમાં રૂ. 5 લાખની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 25 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.
જે માટે રાજ્ય સરકાર દ્વારા રૂા.3710 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. આરોગ્યલક્ષી 108 સુવિધાનો વ્યાપ વધારવા નવી 150 એમ્બ્યુલન્સ રૂા.27 કરોડના ખર્ચે ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, અમારી સરકારે કુપોષણ નાબૂદી માટે અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. આંગણવાડીના બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ ફ્લેવર્ડવાળુ દૂધ આપવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં પીવાના અને સિંચાઇના પાણી માટે વર્તમાન સરકારે ચાલુ વર્ષના અંદાજપત્રમાં કરોડો રૂાપિયા ફાળવ્યા છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે જેમાં તાપી,કડાણા, સુરત, ઉમરપાડા, કરજણ અને નવસારીમાં નવીન સિંચાઇ યોજનાનો સમાવેશ કરાયો છે. તેમણે કહ્યું હતું કે દીકરીઓના સન્માન માટે વર્તમાન સરકારે ‘વ્હાલી દીકરી યોજના’ અમલી બનાવી છે. આ યોજના હેઠળ દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે તેના માતા-પિતાને દીકરીના ઉચ્ચ અભ્યાસ પેટે રૂા.1 લાખ 10 હજારની સહાય આપવામાં આવે છે.
આ બજેટ રાજ્યની 6.50 કરોડ જનતાનો સર્વાંગી વિકાસ કરનારું બજેટ છે. ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રસ્થાપતિ થયું છે ત્યારે ગુજરાતના વિકાસ થકી જ દેશનો વિકાસ શક્ય બનશે તેમ અંદાજપત્રને સમર્થન આપતાં વિધાનસભા ગૃહમાં તેમણે ઉમેર્યુ હતું.