ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવનાં કેસો વધી રહ્યા છે. અને હવે સ્થાનિક સ્તરે પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આજે કોરોનાને કારણે અમદાવાદમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે બાદ ગાંધીનગરમાં 25 વર્ષીય એક યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગીર સોમનાથમાં દુબઈથી પરત આવેલાં એક વૃદ્ધનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ ગુજરાતમાં કોરોનાનાં કુલ 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને 4 લોકોનાં મોત નિપજ્યાં છે.
ગીર સોમનાથના વેરાવળમાં 65 વર્ષીય વૃદ્ધ 20 દિવલ પહેલાં દુબઈથી પરત વેરાવળ પરત ફર્યા હતા. તેઓનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ 55 કેસ પોઝિટિવ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 18, ગાંધીનગરમાં 9, સુરતમાં 7, વડોદરામાં 9, રાજકોટમાં 8, કચ્છ-ભાવનગર-મહેસાણા-ગીર સોમનાથમાં એક-એક કેસ પોઝિટિવ સામે આવ્યા છે.
જયંતિ રવિએ જણાવ્યું કે, 55 પૈકી 24 કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે, જ્યારે 28 કેસ વિદેશથી પરત આવેલાં લોકોનાં છે. ગાંધીનગરમાં 25 વર્ષનાં યુવકને લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાનો ચેપ લાગ્યો હતો. જ્યારે દુબઈથી પરત ફરેલ આધેડને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો અમદાવાદના આસ્ટોડિયામાં એક મહિલાનું અવસાન થયું છે.
આ ઉપરાંત રવિએ કહ્યું કે, 1067 કેસોની તપાસ કરવામાં આવી છે. 19340 લોકો 14 દિવસનાં ક્વોરન્ટાઈન હેઠળ છે. 657 સરકારી ક્વોરન્ટાઈન, 18497 લોકો હોમ ક્વોરન્ટાઈન છે. 236 લોકોએ હોમ ક્વોરન્ટાઈનનો ભંગ કરતાં ફરિયાદ નોંધવામાં આવી છે. 13742 લોકોનાં 14 દિવસનાં ક્વોરન્ટાઈનનો સમય પુર્ણ થયો છે. તેમ છતાં આ લોકો લોકડાઉનનાં કારણે ઘરે જ રહેશે. 4.91 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.