બિઝનેસમેન રેન રાષ્ટ્રપતિ જિનપિંગના સૌથી મોટા ટીકાકારોમાંથી એક હતા
એજન્સી, બેઇજિંગ:
ચીનમાં ‘ધ કેનન’ના નામથી જાણીતા રિયલ એસ્ટેટ બિઝનેસમેન રેન જિકિયંગ અચાનક ગાયબ થઇ ગયા છે.રેને થોડા દિવસ પહેલા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની કોરોના વાયરસને લઇને ભારે ટીકા કરી હતી અને તેમને ‘સત્તાનો ભૂખ્યો જોકર’ ગણાવ્યા હતા.રેનના મિત્રોનો આરોપ છે કે તેના ગાયબ થવા પાછળ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીનો હાથ છે.
રેનને જિનપિંગ સરકારના સૌથી મોટા ટીકાકારોમાંથી એક માનવામાં આવે છે.વિતેલા દિવસોમાં કોરોના વાયરસના વધતા કેસો બાબતે રેને એક લેખ લખ્યો હતો જેમાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને ‘ક્લાઉન’ (જોકર) ગણાવ્યા હતા અને કહ્યુ હતું કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી અભિવ્યક્તિની આઝાદીને કચડી રહી છે જેના કારણે કોરોના વાયરસ જેવી મહામારી ફેલાવામાં મદદ મળી રહી છે.
રેને આર્ટિકલમાં લખ્યુ હતું કે ‘મને જે દેખાઇ રહ્યો છે એ નવા કપડામાં કોઇ શાસક નથી, એક જોકર છે જે નગ્ન ઉભો છે અને શાસક હોવાનો ઢોંગ કરી રહ્યો છે.’જોકે એક આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સી મુજબ રેનનુ ગાયબ થવુ એ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના એ અભિયાનનો ભાગ છે જેમાં જિનપિંગના તમામ વિરોધીઓને ધીમે-ધીમે ગાયબ કરવામાં આવી રહ્યા છે.
એક રિપોર્ટ મુજબ ચીની સરકાર 2016થી જ રેન પર નજર રાખી હતી, જે દરમિયાન રેનને તેમના શોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલિટ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં બેઇજિંગ પોલીસ પણ ચૂપકી સાધી રહી છે.