કોરોના વાઈરસ નામની મહામારી સામે લડી રહેલા જાપાનમાં ટૂંક સમયમાં રાષ્ટ્રીય કટોકટીના એંધાણ પ્રવર્તી રહ્યા છે.કોરોનાએ જાપાનમાં શિંજો આબે સરકારની ઉંઘ ઉડાવી દીધી છે.નવા રિપોર્ટમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે તાત્કાલિક પગલાં ભરવામાં ન આવ્યા તો અહીં 4 લાખ લોકો મોતને ભેટી શકે છે.આ કારણે જ હવે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સમગ્ર જાપાનમાં કટોકટી ઘોષિત કરવાની યોજના પર કામ કરી રહ્યાં છે.
178ના મોત
જાપાનમાં કોરોના વાઈરસ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 8,626 કેસ સામે આવી ચૂક્યા છે.આ મહામારીના કારણે 178 લોકોના મોત થઈ ચૂક્યા છે.ઉતરોતર વધી રહેલા કોરોનાના કેસના કારણે જાપાનના પ્રમુખ શિંઝો આબેએ ટોક્યો,ઓસાકા સહિતના 5 રાજ્યોમાં પહેલાંથી જ કટોકટી ઘોષિત કરી દીધી છે.
તો ચાર લાખના જીવ જશે
જાપાની કાનૂન પ્રમાણે કટોકટીમાં કોઈ પણ ધંધો ઠપ્પ થઈ શકે છે.આમ છતાં ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની પોલીસીની શરૂઆત કરી દીધી છે. જાપાનમાં માત્ર એ જ લોકોની તપાસ કરવામાં આવી રહી છે જેમની અંદર કોરોના વાઈરસના લક્ષણ છે.આ વચ્ચે જાપાની મીડિયાના સરકારી સુત્રો દ્રારા માહિતી મળી છે કે,દેશમાં કડક પગલાં લેવામાં ન આવ્યા તો 4 લાખથી વધારે લોકોના જીવ જશે.
8 લાખ 50 હજાર વેન્ટિલેટરની જરૂર પડશે
આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લગભગ 8 લાખ 50 હજાર લોકોને વેન્ટિલેટરની જરૂર પડી શકે છે.કોરોના વાઈરસથી મોટાભાગે વૃદ્ધોના જીવ જોખમમાં મુકાય છે અને જાપાન એક એવો દેશ છે જ્યાં વૃદ્ધોની સંખ્યા મહત્તમ પ્રમાણમાં છે.જાપાનમાં હાલ જે પણ ક્ષેત્રોમાં કટોકટી ઘોષિત કરવામાં આવી છે તેમાં સૈતમા, કાંગવા, ચીબા, હયોગો અને ફુફુઓકાનો સમાવેશ થાય છે.હવે શિંઝો આબેની સરકારને ડર સતાવી રહ્યો છે કે દેશમાં કોરોના મોટાપાયે તબાહી મચાવી શકે છે.