દિલ્હીનાં નિઝામુદ્દીન મરકઝમાં થયેલી તબલીગી જમાતનાં જલસામાં સામેલ થયેલા સૈંકડો લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ શરદ પવારે પુછ્યું છે કે નવી દિલ્હીનાં નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનાં ધાર્મિક આયોજન માટે પરવાનગી કોણે આપી હતી? આ કાર્યક્રમ દેશમાં કોરોના વાયરસનાં મોટા કેન્દ્ર તરીકે ઉભર્યો છે.
મહારાષ્ટ્રમાં નહોતી આપવામાં આવી પરવાનગી
એનસીપી ચીફ શરદ પવારે ફેસબૂક પર લોકોની સાથે લાઇવ સંવાદમાં કહ્યું હતુ કે મહારાષ્ટ્ર સરકારે આ પહેલા આ પ્રકારનાં આયોજનની અનુમતિ નહોતી આપી. તેમણે કહ્યું કે આ પહેલા મહારાષ્ટ્રમાં બે મોટી સભાઓ માટે એક મુંબઈની પાસે અને બીજી સોલાપુર જિલ્લામાં માંગણી કરવામાં આવી હતી. શરદ પવારે કહ્યું કે મુંબઈની પાસેનાં કાર્યક્રમ માટે પરવાનગી પહેલા જ નહોતી આપવામાં આવી, જ્યારે પોલીસે રાજ્ય તરફથી જાહેર આદેશનાં ઉલ્લંઘન કરવા માટે સોલાપુર કાર્યક્રમનાં આયોજકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી.
દિલ્હીમાં કોણે આપી મંજૂરી?
તેમણે પુછ્યું કે, ‘જો મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવા નિર્ણય લઇ શકે છે તો દિલ્હીમાં આ પ્રકારનાં કાર્યક્રમ માટે પરવાનગી આપવાથી ના કેમ ન કહેવામાં આવી અને કોણે આ માટે મંજૂરી આપી?’ પૂર્વ કેન્દ્રિય મંત્રીએ નિઝામુદ્દીન કાર્યક્રમને મીડિયામાં જોરશોરથી ઉછાળવા પર પણ નિરાશા વ્યક્ત કરી.
શરદ પવારે કહ્યું કે, ‘મીડિયા માટે આને ઉછાળવો જરૂરી કેમ છે? આ કારણ વગર દેશમાં એક સમુદાયને નિશાન બનાવે છે.’ દેશમાં થયેલા 15 મોત અને 400થી વધારે કોવિડ-19 કેસ નિઝામુદ્દીનની તબલીગી જમાતનાં ધાર્મિક કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યા છે.