દેશમાં કોરોનાના કુલ કેસ 6412, મૃત્યુઆંક 199, 504 લોકો આ બીમારીમાંથી સ્વસ્થય થયા
નવી દિલ્હી,
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.ગુરૂવારના રોજ દેશભરમાંથી કોરોનાના 781 કેસ નોંધાયા છે. ભારતમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના આટલા વધારે કેસ પહેલી વખત જ નોંધાયા છે.આ અગાઉ બુધવારના રોજ 24 કલાક દરમિયાન કોરોનાના 598 કેસ નોંધાયા હતા.છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસનો આંકડો આના કરતા 30 ટકા વધારે છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના કેસમાં કુલ 547 કેસ નવા નોંધાયા હતા.આ સાથે જ દેશમાં શુક્રવારે સવાર સવાર સુધીમાં કોરોના વાયરસના કેસ વધીને 6412 થઈ ગયા છે.જોકે,આ 6412 કેસમાં 504 લોકો એવા પણ છે કે જેઓ આ જીવલેણ બીમારીમાંથી સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે.પરંતુ આમાં 199 કેસ એવા પણ છે કે જેઓ આ કોરોના વિરુદ્ધની જંગમાં લડતા-લડતા પોતાનો દમ તોડી ચૂક્યા છે.
દેશભરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.જ્યાં અત્યારસુધીમાં 1364 લોકો આ વાયરસના કારણે સંક્રમિત મળી આવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં 834 અને દિલ્હીમાં કોરોનાના 720 કેસ નોંધાયા છે.આ ઉપરાંત રાજસ્થાનમાં 463, તેલંગાણામાં 442,ઉત્તર પ્રદેશમાં 410, કેરળમાં 357 અને આંધ્ર પ્રદેશમાં 348 અને ગુજરાતમાં કોરોનાના 308 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોના વાયરસના કારણે દેશભરમાં અત્યાર સુધી કુલ 199 લોકો કાળનો કોળિયો બની ગયા છે.મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે 97 લોકો મોતને ભેટી ચૂક્યા છે.મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં 19 અને મધ્યપ્રદેશમાં 16 અને દિલ્હીમાં 12 લોકોના મોત નિપજ્યા છે.
દેશભરમાં કોરોના વાયરસથી સ્વસ્થ્ય થનારા લોકોની કુલ સંખ્યા 504 છે.મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે 125 લોકો સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે ત્યારબાદ કેરળમાં 96,તેલંગાણામાં 35, ઉત્તર પ્રદેશમાં 31, ગુજરાતમાં 30, હરિયાણામાં 29 અને કર્ણાટકમાં 28 લોકો સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે.

