રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના 5 નેતાઓએ રાજીનામા આપી દીધા છે. આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાની જ પાર્ટી કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, અંદરોઅંદર જૂથવાદના કારણે પાર્ટી તૂટી રહી છે. હાર્દિક પટેલનું કહેવું છે કે,અંદરોઅંદર જૂથવાદ અને BJPની લાલચ આપવાની નીતિના કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. તેમણે કહ્યું, કોંગ્રેસના નેતાઓએ પોતાની અલગ રણનીતિ તૈયાર કરવી જોઈએ.2017માં જ્યારે ચૂંટણી થઈ હતી, ત્યારે અમારી 82 સીટો હતી, આજે પાર્ટી માત્ર 68 સીટો પર આવી ગઈ. આપણે વિચારવું પડશે કે આપણે શું કરી રહ્યા છીએ.હાર્દિક પટેલે કહ્યું, કોંગ્રેસે પાતોની રણનીતિ કંઈક એવી રીતે બનાવવી પડશે કે જેથી નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વિશ્વાસ ટકી રહે.
શું આ જૂથવાદના કારણે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે,આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મેં 2015થી BJPના વિરોધમાં અભિયાન શરૂ કર્યું હતું. આજે પણ મારો મુદ્દો ખેડૂતો અને બેરોજગારી જ છે.મેં મારા આ મુદ્દાઓ પર કોંગ્રેસને પસંદ કરી હતી, અમે કોંગ્રેસને સુધારવાનું કામ કરીશું, પાર્ટી બદલવી સંભવ નથી.
જણાવી દઈએ કે,કોંગ્રેસ ધારાસભ્ય મંગલ ગાવિતે સોમવારે સવારે રાજીનામુ આપી દીધું. અત્યારસુધીમાં 5 ધારાસભ્યો રાજીનામા આપી ચુક્યા છે અને હજુ વધુ એક ડઝન ધારાસભ્યો રાજીનામુ આપી શકે છે. આ પહેલા ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા,જે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકારી લીધા હતા. દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા ધારાસભ્ય પ્રધ્યુમ્ન સિંહ જાડેજાનું કહેવું છે કે,તેમના પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે ખોટા છે.તેમણે વિસ્તારના વિકાસ માટે રાજીનામુ આપ્યું છે.