નવી દિલ્હી,તા 25 મે 2022,બુધવાર : મની લોન્ડરિંગના મામલામાં ઈડી દ્વારા ચાલી રહેલી પૂછપરછમાં રોજે રોજ દાઉદ ઈબ્રાહીમને લઈને નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.ગઈકાલે દાઉદ ઈબ્રાહિમના ભાણેજ અલી શાહ પારકરે ઈડીને કહ્યુ હતુ કે, મારા મામા પાકિસ્તાનના કરાંચીમાં જ રહે છે. જોકે અમારા પરિવારનો તેમની સાથે સબંધ નથી.
દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામે ચાલી રહેલા મની લોન્ડરિંગના કેસમાં પણ એક સાક્ષી ખાલિદ શેખે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.ખાલિદે દાઉદના ભાઈ ઈકબાલ કાસકરના હવાલાથી કહ્યુ હતુ કે, દાઉદ પરિવારને દર મહિને ખર્ચા માટે દસ લાખ રુપિયા મોકલે છે.ખાલિદના કહેવા પ્રમાણે દાઉદ પોતાના કોઈ માણસ થકી આ પૈસા ઈકબાલ કાસકરને મોકલાવતો હતો અને કેટલીય વખત ઈકબાલે મને આ પૈસા બતાવ્યા પણ છે.
ખાલિદ શેખનો ભાઈ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો બાળપણનો મિત્ર હતો. જોકે એક ગેંગવોરમાં તેની મોત થયુ હતુ.તે હસીના પારકરનો ડ્રાઈવર કમ બોડીગાર્ડ પણ હતો અને ખાલિદના ભાઈને લોકો સલીમ પટેલના નામથી જાણતા હતા.દાઉદની બહેન હસીના પારકર અને ઈકબાલ કાસકર દાઉદના નામે હપ્તા ઉઘરાવતા હતા અને પ્રોપર્ટી પર કબ્જો પણ જમાવતા હતા.હસીના પારકરે ગોવાવાલા કમ્પાઉન્ડ પર આ રીતે કબ્જો જમાવ્યો હતો અને બાદમાં આ જગ્યા નવાબ મલિકને વેચી દીધી હતી.

