ગુજરાતમાં હાલમાં પત્રિકાકાંડ બાદ સૌથી વધુ ચર્ચામાં કોઈ નેતા હોય તો પ્રદીપસિંહ વાઘેલા છે.પ્રદીપસિંહ વાઘેલાનું કદ વધી ગયું પણ કોલેજનું રાજકારણ ન છૂટતાં એમને રાજીનામું આપવું પડ્યું છે,રાજકારણમાં એન્ટ્રી કરવી હોય તો કોલેજકાળનું રાજકારણ એ પા.. પા.. પગલી માટે સૌ પ્રથમ પગથિયું છે.યુવા સંગઠનમાં સારી કામગીરી તમને નજરમાં લાવે છે.પ્રદીપસિંહ પણ આ જ રીતે આગળ આવ્યા હતા.આપણે વાત અહીં પ્રદીપસિંહની નહીં પણ કોલેજકાળના રાજકારણ પર કરી રહ્યાં છે. કોલેજ કાળના રાજકારણને પુરૂ કરી દેવાની ભૂપેન્દ્ર પટેલ સરકાર તૈયારી કરી રહી છે. જેમાં સૌથી વધારે કોંગ્રેસ રઘવાઈ બની છે.
સેનેટ સભ્યોનું રાજકારણ પુરૂ થઈ જશે
ગુજરાતમાં એવી ચર્ચા છે કે સરકાર કોમન એક્ટનું એક બિલ લાવી રહી છે.જે બિલ ભાજપની રેકોર્ડબ્રેક જીતને પગલે વન વે પાસ થઈ જશે.કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ગુજરાતમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ થતાં યુનિની.સ્વાયત્તતા ખતમ થઈ જશે.આ સાથે જ સેનેટ અને સિન્ડિકેટનું રાજકારણ પણ પુરૂ થઈ જશે.આમ કોલેજમાં અડિંગો જમાવીને બેઠેલા ઘણા સેનેટસભ્યોનું રાજકારણ પુરૂ થઈ જશે. ભૂપેન્દ્ર પટેલ હવે પીએમ નરેન્દ્ર મોદીના રસ્તે જઈ રહ્યાં છે.એક રાજ્ય,એક પક્ષ અને એક સત્તા… અપાર દબદબો અને એક જ વાત…
અભ્યાસક્રમો ખાનગી હાથમાં જતા જ છાત્રો લૂંટાશે
કોંગ્રેસે આ બિલનો રસ્તા પર વિરોધ કરવાની તૈયારીઓ કરી છે પણ સૌ જાણે છે કે ગુજરાત વિધાનસભામાં દબદબો ધરાવતી ભૂપેન્દ્ર પટેલ સરકાર ઈચ્છે તો આ બિલને પસાર કરવું એ ડાબા હાથનો ખેલ છે.ગુજરાત કોંગ્રેસ એ આક્ષેપો કરી રહી છે કે સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરી રહી છે અને કોલેજોમાં નજીવી ફીએ ચાલતા અભ્યાસક્રમો ખાનગી હાથમાં જતા જ છાત્રો લૂંટાશે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના હાથમાં પાવર જતાં યુનિની ફાજલ 50 હજાર કરોડની જમીનોનો સોદા થશે.કેટલાક ગ્રાન્ટેડ કોર્સ પણ બંધ થશે. જેના પગલે છાત્રોનું નુક્સાન થશે.હાલમાં કોમન એકટ પર કામગીરી ચાલી રહી છે અને ભવિષ્યમાં આ એક્ટ બિલ સ્વરૂપે રજૂ પણ થાય પણ કોંગ્રેસીઓ આ બાબતે વિરોધની તૈયારીઓ કરી રહ્યાં છે.
હાલમાં કોંગ્રેસ પાસે કોઈ પાવર નથી.કેટલાક છાત્ર નેતાઓ કોલેજના રાજકારણમાં ખાસ રસ દાખવી રહ્યાં છે.જેમને કોંગ્રેસ ભવનમાં બેસતા નેતાઓનું પીઠબળ છે.આગામી સમયમાં ભાજપ આ બિલ લાવી તો ઘણાના સપનાં અધૂરાં રહી જવાની સંભાવના છે.એનએસયુઆઈ અને એબીવીપીના રાજકારણને પણ અસર થશે કારણ કે પાવર સરકારના હાથમાં જતો રહેશે.જેમાં સરકારની સીધી દખલગીરીના કારણે કેટલાકની મનમાની પણ અટકી જશે.હવે તો આગામી સમય જ બતાવશે કે સરકાર કોમન એક્ટ લાવે છે કે નહીં પણ કોંગ્રેસ અલગ અલગ યુનિની મુલાકાત લઈ છાત્ર નેતાઓ સાથે મળીને વિરોધ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.