। મુંબઇ ।
ચાર દિવસ દરમિયાન યસ બેન્કના શેરમાં વિક્રમરૂપ તેજી નોંધાયા પછી ગુરુવારે પાછા શેરોના ભાવ ગગડયા હતા. યસ બેન્કના શેરમાં ૨૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો અને ભવ ગગડીને રૂપિયા ૪૫ થઈ ગયા હતા. જે શેર એક દિવસ પહેલાં ૬૦ રૂપિયે વેચાતા હતા તેમાં અચાનક આવો કડાકો કેમ બોલ્યો? યસ બેન્કે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બેન્કના સૌથી મોટા પ્રમોટર મધુ કપૂરે ૨.૫ કરોડ શેર વેચ્યા છે. તેમણે રૂપિયા ૬૫ના ભાવે તે શેર વેચ્યા હતા અને તેમને રૂપિયા ૧૬૧ કરોડની આવક થઈ હતી. RBIએ ખાનગી રોકાણકારો માટે ૭૫ ટકા શેર બ્લોક કરેલા છે. મધુ કપૂર ૨.૫ ટકા શેર વેચી શક્યા છે.
બેન્કે ગ્રાહકોને આપી રાહત
યસ બેન્કે બુધવારે ગ્રાહકોને ૧૩ દિવસથી પડી રહેલી મુશ્કેલીનો અંત આણ્યો હતો. ગ્રાહકો હવે પહેલાની જેમ રકમ ઉપાડ કરી શકે છે. બેન્કે જણાવ્યું કે ત્રણ દિવસ માટે બેન્કનો સમય પણ લંબાવવામાં આવશે. રિઝર્વ બેન્કે પાંચ માર્ચના રોજ બેન્ક પર કેટલાક નવી સૂચનાઓ અમલી કરવા જણાવ્યું હતું. આ સૂચના મુજબ ગ્રાહકો ત્રણ એપ્રિલ સુધી પોતાના ખાતામાંથી રૂપિયા ૫૦,૦૦૦ સુધીનો ઉપાડ કરી શકશે. રિઝર્વ બેન્ક બેન્કના બોર્ડને દૂર કરી ચૂકી છે. યસ બેન્કના થઈ રહેલા પુનઃગઠન મુજબ ભારતીય સ્ટેટ બેન્ક અને અન્ય સાત નાણાકીય સંસ્થાઓએ અંદાજે રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. તેમાં ખાનગી ક્ષેત્રની બેન્કોનો પણ સમાવેશ થાય છે.
મધુ કપૂર કોણ છે? । મધુ કપૂર યસ બેન્કના સહસ્થાપક અશોક કપૂરના પત્ની છે મુંબઇ પરના ૨૬-૧૧ના હુમલામાં અશોક કપૂરનું મૃત્યુ થયું હતું. અશોક કપૂરના મૃત્યુ પછી તેમના પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. રાણા કપૂર યસ બેન્કના સ્થાપક છે. હાલમાં રાણા કપૂર તપાસ એજન્સી ઈડીની કસ્ટડીમાં છે.


