જુનાગઢ,તા.૨૦
ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં બીજા દિવસે બપોર બાદ ઉમટેલી ૨ લાખથી વધુ ભાવિકોની ભીડ બાદ ત્રીજા દિવસે સવારથી જ લોકોનો પ્રવાહ ભવનાથ તરફ શરૂ થઇ ગયો હતો. દિવસ દરમિયાન ૩ લાખથી વધુ ભાવિકોની હાજરી રહી હતી. મેળામાં હિતેનગીરી નામનો ૧૩ વર્ષના બાળકે સંન્યાસ ધારણ કર્યો હતો જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
મહાશિવરાત્રીનો મેળો શરૂ થતા અનેક સંતો, મહંતો, નાગા સન્યાસીઓ આવી પહોંચ્યા છે. દરમિયાન એક ૧૩ વર્ષના બાળયોગીએ લોક આકર્ષણ જમાવ્યું છે. ગત જન્મના ઉત્તમ સંસ્કારના કારણે નાની ઉંમરમાં જ સંસાર અસાર લાગતા તેમણે સન્યાસ લીધો છે. હિતેનગીરી નામના ૧૩ વર્ષીય બાળકે ગુરૂ રમાગીરી પાસેથી દીક્ષા લઇ સન્યાસ ધારણ કરી લીધો છે. મહા શિવરાત્રીના મેળામાં ધૂણી ધખાવી બેઠેલા આ બાળ સન્યાસી લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મેળામાં આવતા પગપાળા રાહદારીઓની આવન અને જાવનને લીધે ભીડ ઘણી વખત વધી જતી હોય છે. આથી એ ભીડ ઓછી કરવા અને દુર્ઘટના ન બને એ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીની સુચનાથી પોલીસ થોડી થોડી વાર માટે ભરડાવાવથી જ વાહનોની એન્ટ્રી અટકાવી દે છે. રાહદારીઓની સંખ્યા ઘટી ગયા બાદ ફરીથી વાહનોને શરૂ કરી દેવાય છે. લોકો પોતાના વાહનોમાં સીધા ભવનાથ વધુ જતા હોવાથી આ વખતે હજુ સુધી જો કે, મજેવડી ગેઇટ, બસ સ્ટેશન રોડ, પર ભારે ટ્રાફિક સર્જાયો નથી. અત્યારે જૂનાગઢ તરફ આવતા વાહનો ભરચક્ક હોય છે. અને જતા વાહનોમાં બહુ ભીડ નથી. સવારે અને સાંજે ગીરનાર રોડ પર વધુ ટ્રાફિક રહે છે. જ્યારે બપોરે ૪ કલાકના સમયગાળામાં આ રોડ પર હળવો ટ્રાફિક રહે છે.
ભવનાથ મેળામાં ત્રીજા દિવસે ૩ લાખ ભાવિકો ઉમટયા, ૧૩ વર્ષીય બાળકે ધુણી ધખાવી
Leave a Comment