વડોદરા,તા.૨૬
તાંદલજા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં ભાગીદાર બનાવવાની લાલચ આપીને બિલ્ડર સાથે રૂપિયા ૪૦ લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજે કન્સ્ટ્રક્શન સાઇટમાં ૧૦ ટકાનો ભાગીદાર બનાવવા માટે જણાવ્યું હતું.
વડોદરા શહેરના મચ્છીપીઠ કાગદીવાડમાં રહેતા બિલ્ડર ફિરોજખાન પઠાણનો પરિચય તાંદલજામાં અલિફનગરમાં રહેતા ઇશાક કછાવા સાથે થયો હતો. ઇશાકે તાંદલજામાં બની રહેલી આફિયા પાર્ક સોસાયટીમાં ૧૦ ટકાનો ભાગીદાર બનાવવા માટે ઓફર કરી હતી. જે ઓફર સ્વીકારીને બિલ્ડરે રૂપિયા ૪૦ લાખનું રોકાણ કર્યું હતું. સાઇટની જાહેરાતમાં બિલ્ડર ફિરોજખાન પઠાણનું નામ પણ લખવામાં આવ્યું હતું. પરંતુ કોઇપણ જાતનો ભાગીદારી કરાર કરવામાં આવ્યો નહોતો. છેતરપિંડીનો ભોગ બનેલા મચ્છીપીઠના બિલ્ડરે કારેલીબાગ પોલીસ મથકમાં ઇશાક કછાવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ઇશાક કછાવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ભાગીદારીની લાલચ આપી બિલ્ડર સાથે ૪૦ લાખની છેતરપિંડી કરનાર શખ્શની ધરપકડ

Leave a Comment