। ગાંધીનગર ।
ગુજરાત સરકારે મહાનગરોમાંથી ઓકટ્રોય નાબૂદી પછી તે ગુમાવાયેલી આવક સામે મ્યુનિસિપલ કોર્પોરેશનોને ગ્રાન્ટ આપવાનું અને એમાં ઉત્તરોત્તર દરવર્ષે ૧૫ ટકાનો વધારો આપવાનું જાહેર કર્યું છે. પરંતુ છેલ્લા બે વર્ષથી મહાનગરપાલિકાઓને ગ્રાન્ટમાં વધારો કરી અપાતો નથી અને એકસરખી રકમ જ છે. રાજ્ય સરકાર તેની જીએસટીની આવક ૧૪ ટકાના દરે નહીં વધતાં કેન્દ્ર સરકાર પાસેથી વળતર મેળવે છે, પણ રાજ્ય સરકાર પોતાની મ્યુનિસિપલ કોર્પોરેશનોને ઓકટ્રોયની અવેજીની ગ્રાન્ટમાં વધારો આપતી નથી.
રાજ્યની આ આઠે મહાનગરપાલિકાઓમાં ભાજપનું જ શાસન હોઈ ગ્રાન્ટમાં વધારો નહીં આપવાની બાબતે સરકારમાં કોઈ રજૂઆતો પણ થતી નથી, સરવાળે વિકાસ માટેના નાણા ઓછા મળતાં પ્રજાને વેઠવું પડી રહ્યું છે, અહીં રજૂ થયેલા ગ્રાન્ટના આંકડા એક વર્ષના છે અને કેલેન્ડર ૨૦૧૮માં અને ૨૦૧૯માં આ એકસરખી ગ્રાન્ટ મહાનગરપાલિકાઓને આપવામાં આવી છે. મહાનગરપાલિકાઓને ગ્રાન્ટ વધારો મળ્યો નથી તેની પાલિકા વર્તુળોમાં સૂચક ચર્ચા છે.
મહાનગરપાલિકા ગ્રાન્ટ રકમ
અમદાવાદ ૧,૦૪૫.૮૦
વડોદરા ૨૧.૬૨
સુરત ૭૨૨.૬૦
રાજકોટ ૧૩૪.૧૪
ગાંધીનગર ૧૫.૩૨
જામનગર ૩૬.૫૭
ભાવનગર ૩૮.૨૯
જૂનાગઢ ૨૨.૮૪
કુલ ૨,૩૩૭.૧૮
નોંધ : બધા આંકડા રૂ. કરોડમાં