– દેશમાં અત્યાર સુધી 5 લોકોના મોત નીપજ્યા છે
નવી દિલ્હી, તા. 22 માર્ચ 2020 રવિવાર
કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે PM મોદીએ આજે સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનુ એલાન કર્યુ છે. પીએમ મોદીએ સાંજે પાંચ વાગે તમામ લોકોને પોતાની બાલકનીમાં ઉભા રહીને તાળી અને થાળી વગાડવાની અપીલ કરી છે.
સમગ્ર દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના લગભગ 80 જેટલા નવા પોઝીટિવ કેસ સામે આવ્યા છે. રવિવારે સવાર સુધી સમગ્ર દેશમાં COVID-19 પોઝીટિવ દર્દીઓની સંખ્યા 334 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી 5 લોકોના મોત નીપજ્યા છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે જ્યાં અત્યાર સુધી 63 કેસ સામે આવ્યા છે. કોરોનાથી દેશના 22 રાજ્ય પ્રભાવિત છે.
જોધપુરમાં પણ કોરોનાની દસ્તક
જોધપુરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, સમગ્ર પરિવારને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યા 74 થઈ ગઈ છે. એચએન રિલાયન્સ હોસ્પિટલમાં 56 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યુ છે. આ શખ્સને 21 માર્ચે દાખલ કરાયા હતા.
પંજાબમાં 31 માર્ચ સુધી લોકડાઉન
ચંદીગઢમાં એક પોઝીટિવ કેસ સામે આવ્યો છે. આ વચ્ચે પંજાબ સરકારે પાંચ જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે. જલંધર, પટિયાલા, નવાનશહેર, હોશિયારપુર અને સંગરૂર જિલ્લામાં લૉકડાઉન કરવામાં આવ્યુ છે. આ લૉકડાઉન 31 માર્ચ સુધી જારી રહેશે.