કિસાનોની કૃતજ્ઞતા: અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિની આફતોમાં સરકારે અમને હરહંમેશ મદદ કરી છે,ત્યારે સંકટની આ ઘડીમાં અમે પાછા કઈ રીતે હટીએ ? વનમંત્રી ગણપતસિંહ વસાવા અને માંડવી પ્રાંત અધિકારીને સહાયના ચેક અર્પણ કરતાં ખેડૂતો
બારડોલી,
દેશ પર આવી પડેલી કોરોનાની આપત્તિ સામે કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથોસાથ અગણિત સામાજિક સંસ્થાઓ પણ નિ:સ્વાર્થભાવે સેવાયજ્ઞમાં આહૂતિ આપી રહી છે, દેશ પર સંકટના વાદળો છવાયા હોય અને ચારે કોર સેવાની સરવાણી વહેતી હોય ત્યારે જગતનો તાત કેમ પાછળ રહે? સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ખેડૂતોએ કોરોના સામેની લડાઈમાં સહાયરૂપ થવાનો સામૂહિક સંકલ્પ કર્યો કે ‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’ દેશને સહાય કરવી આપણી ફરજ છે.તેમણે પોતાની લાગણી માંગરોળના જનપ્રતિનિધિ અને અને રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાને જણાવી. તાલુકાના ખેડૂત આગેવાનોએ મંત્રીની મુલાકાત લઇને જણાવ્યું કે,‘ખેડૂતો પર અતિવૃષ્ટિ,અનાવૃષ્ટિ સહિત જ્યારે કોઈ પણ આફત આવી છે,ત્યારે સરકારે કિસાનોને હરહંમેશ મદદ કરી છે,પણ આજે રાષ્ટ્ર અને સમગ્ર માનવજાત પર મહામારીની આફત આવી છે,અને સરકાર સંકટમાં હોય ત્યારે અમે ખેડૂતો પણ કેમ પાછાં હટીએ?’,એમની લાગણીથી અભિભૂત થઈને મંત્રી ગણપતસિંહ વસાવાએ ખેડૂતોની સેવાભાવનાને બિરદાવી હતી.તેમજ મંત્રીની ઉપસ્થિતિમાં માંગરોળ તાલુકાના ૩૦૦ ખેડૂતોએ યથાશક્તિ મુજબ પી.એમ.કેર્સ ફંડ માટેના પોતપોતાના ચેકો મળી કુલ રૂ.૧૨ લાખના ચેકો માંડવી પ્રાંત અધિકારીને અર્પણ કર્યા હતા.ચેક આપવા માટે આવેલા તમામ ખેડૂતોએ માસ્ક પહેરી તેમજ એકબીજાથી સલામત અંતર રાખી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કર્યું હતું.