રાજકોટ,તા.૨૫
મચ્છરોના ત્રાસથી રાજકોટ માર્કેટ યાર્ડમાં સતત સાતમાં દિવસે પણ હડતાળ યથાવત રહી. જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. રોજનું ૮ કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થતા ખેડૂતો પોતાના પાક વેંચી શકતા નથી. આથી આર્થિક રીતે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓ એક જ માંગ સાથે અડગ છે કે પોલીસ વેપારીઓ પરથી કેસ પાછા નહીં ખેંચે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. કિસાન સંઘના આગેવાનો સમાધાન માટે યાર્ડના સત્તાધિશોને મળવા પહોંચ્યા હતા ત્યારે વેપારીઓએ રોષ વ્યક્ત કરી કહ્યું હતું કે, હવે શું કામ આવ્યા, હડતાળનો સાતમો દિવસ હતો ત્યારે તમે કેમ ડાકોયા. આથી વેપારીઓ અને કિસાન સંઘ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બપોર બાદ યાર્ડના સત્તાધીશોની બેઠક મળી હતી અને કડક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ હડતાળ સમેટવા ન માગતા હોય તો પોતાના લાયસન્સ જમા કરાવવા પડશે. દુકાનો નહીં ખોલે તો લાયસન્સ જપ્ત કરવામાં આવશે, ત્રણ દિવસની મુદ્દત આપવામાં આવી છે. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે તમામ વેપારીઓને નોટિસ પાઠવવામાં આવશે.
કિસાન સંઘ દ્વારા રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાધીશોને યાર્ડ ચાલુ કરાવવા સમજાવ્યા હતા. પરંતુ વેપારીઓ અડગ રહ્યા છે. આથી ખેડૂતો ગોંડલ યાર્ડ તરફ વળ્યા છે. ઉલ્લેખનીય છે કે સાત દિવસ પહેલા મચ્છરોના ત્રાસને કારણે વેપારીઓ અને ખેડૂતોએ રસ્તા પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. આથી પોલીસે બળપ્રયોગ કરી ૩૨ જેટલા વેપારીઓની અટકાયત કરી હતી. યાર્ડના સેક્રેટરી તેજાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યાર્ડ મામલે ચેરમેન ડી.કે. સખિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, આગામી એક કે બે દિવસમાં હડતાળનો નિવેડો આવે તેવી શક્યતા છે.
યાર્ડમાં હડતાળનો ૭મો દિવસ…વેપારીઓ દુકાન નહીં ખોલે તો લાયસન્સ જપ્ત થશે

Leave a Comment