। ગાંધીનગર ।
રાજ્યના ગૃહવિભાગે સમગ્ર રાજ્યમાં લોકડાઉનના સંદર્ભમાં બહાર પાડેલા જાહેરનામાના ભંગ બદલ પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી કુલ ૨૯૯ ગુનો નોંધાયા છે. અગાઉ ૬૧ ગુના નોંધાયા હતા અને સોમવારે રાતના ૧૨ વાગ્યાથી માંડીને મંગળવાર બપોર સુધીમાં વધુ નવા ૨૩૮ ગુના નોંધાયા છે. અગાઉ ક્વોરન્ટાઇન ભંગ બદલ ૨૦ ગુના નોંધાયા હતા અને સોમવાર રાતથી મંગળવારની બપોર સુધીમાં નવા વધુ ૧૨૭ ગુના નોંધવામાં આવ્યા હતા. જ્યારે અગાઉ ૧૧૮ વ્યક્તિઓની વિવિધ ગુનાસર કરાયેલી અટક પછી સોમવારની મધરાતથી મંગળવારની બપોર સુધીમાં વધુ ૪૨૬ વ્યક્તિઓની અટક કરાઈ હતી.
લોકડાઉનના અમલીકરણમાં કોઈ પ્રશ્નો ઊભા થાય તો તેનું તાત્કાલિક નિવારણ થાય તે માટે ૨૪ કલાક કામ કરતો કંટ્રોલ રૂમ પોલીસ તંત્ર દ્વારા ઊભો કરાયો છે, જેની કામગીરી ઉપર બે એડીજી કક્ષાના અધિકારીઓ સુપરવિઝન કરશે. આ એડીજીની નીચે એક આઈજી, એક એસપી અને એક ડીવાયએસપીને સાંકળી ત્રણ ટીમો રાજ્યમાં દેખરેખ રાખવા બનાવાઈ છે, જેમાં વડોદરા શહેર-વિભાગ તથા સુરત શહેર-વિભાગ માટે આઈજી નરસિંમ્હા કોમાર, સીઆઈડી ક્રાઇમ- રેલવેઝ એસપી હરેશ દુધાત અને ડીવાયએસપી રીમા મુનશી, બીજી ટીમમાં અમદાવાદ શહેર-વિભાગ, રાજકોટ શહેર-વિભાગ તેમજ ગાંધીનગર વિભાગ માટે પોલીસ મહાનિરીક્ષક વી. ચંદ્રશેખર, સીઆઈડી ક્રાઇમ-રેલવેઝ એસપી રાજેશ ગઢિયા તથા ડીવાયએસપી એમ. એસ. શેખ તેમજ ત્રીજી ટીમ સરહદી-જૂનાગઢ, ભાવનગર અને રેલવેઝ વિભાગો માટે પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલ, એટીબી એસપી ભગીરથસિંહ જાડેજા તથા ડીવાયએસપી નીતા દેસાઈ ફરજ બજાવશે.
પોલીસ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે કે, લોકડાઉનના સમયમાં આવશ્યક સેવાઓના સ્થળે ભીડ ના કરવી, દુકાનોએ ચીજવસ્તુઓ લેતી વખતે એકબીજાથી અંતર રાખવું, લોકો ગ્રૂપ બનાવીને વારાફરતી ચીજો લેવા નીકળે તેમજ માર્ગો ઉપર બિનજરૂરી અવરજવર ટાળે.