ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કલમનાથના નિવેદનની નિંદા કરી
એજન્સી, રાયપુર
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ સર્જિકલ સટ્રાઈક પર સવાલ ઉઠાવવા મામલે ગુરુવારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની ટિકા કરતા જણાવ્યું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની જેમ કમલનાથ પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ભાષા બોલી રહ્યા છે.
સર્જિકલ સ્ટ્રાઈક અંગે કમલનાથની ટિપ્પણી પર સવાલ કરાતા કૈલાશ વિજયવર્ગીયએ જણાવ્યું હતું કે, મને સમજાતું નથી કે અત્યાર સુધી રાહુલજી ઈમરાન ભાઈની ભાષા બોલી રહ્યા હતા, હવે કમલનાથજી પણ પાકિસ્તાનના વડાપ્રધાનની ભાષા બોલી રહ્યા છે. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા સૈનિકોના શોર્ય પર સવાલ ઉઠાવવા એ સારી વાત નથી. હું કમલનાથજીના નિવેદનની નિંદા કરું છું. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર પર હુમલા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા દેશની સમક્ષ રજૂ કરવામાં આવે. પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે અને રાજકીય ફાયદા માટે મોદી સરકાર રાષ્ટ્રવાદનો મુદ્દો ઉઠાવે છે, પરંતુ દેશની પ્રજાને હવે ખબર પડી ગઈ છે.