નવી દિલ્હી,
વિપ્રો લિ.નો માર્ચ 2020ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 6 ટકા ઘટીને રૂ.2,345.2 કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.2,493.9 કરોડ હતો.આ ગાળામાં રેવેન્યૂ 4.6 ટકા વધીને રૂ.15,711 કરોડની રહી હતી જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.15,006.3 કરોડ હતી.કંપનીએ શેરબજારને સુપ્રત કરેલી માહિતીમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે 31 માર્ચ 2020ને અંતે પૂરા થયેલા સમયગાળામાં રેવેન્યૂ પર અંદાજે 140-160 લાખ ડોલરની નકારાત્મક અસર થઈ હતી જે રેવેન્યૂની 0.7-0.8 ટકા થવા જાય છે.
આને કારણે ચોક્કસ કેટલી અવળી અસર થઈ છે તે જાણી શકાયું નથી.આથી અમે 30 જુન 2020ના ગાઇડન્સ આપવાનું ટાળ્યું છે એમ જણાવીને કંપનીએ ઉમેર્યું હતું કે,જ્યારે માગ વધશે અને સપ્લાયની સ્થિતિ સામાન્ય થશે ત્યારે ભાવિ અંદાજ જાહેર કરાશે. જોકે,કંપનીએ અગાઉ બે ટકા આઇટી સર્વિસ રેવેન્યમાં વધારો થવાનો અંદાજ મૂક્યો હતો.કંપનીએ કોઈ આખરી ડિવિંડડની ભલામણ કરી નહોતી અને જાન્યુઆરીમાં જાહેર કરાયેલું રૂ.1 ડિવિડંડ જ આખરી રાખ્યું હતું.દરમિયાન નાણાં વર્ષ 20માં કંપનીનો ચોખ્ખો નફો 8.3 ટકા વધીને રૂ.9,771.8 કરોડ અને રેવેન્યૂ 4.2 ટકા વધીને રૂ.61,023.2 કરોડની થઈ હતી.