સરકાર સામે લડત આપવા રત્નકલાકાર સંઘની તૈયારી, પ્રતિક ઉપવાસ સહિતના કાર્યક્રમો અપાશે
સુરત
હીરાઉદ્યોગમાં વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગણી સાથે રત્નકલાકાર સંઘ દ્વારા આગામી તા. 16મી માર્ચે હીરાઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર સામેની આ લડતમાં પ્રતિક ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમો પણ આપવામાં આવશે. જે માટે આજરોજ શુક્રવારે રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
છેલ્લા કેટલાય વરસોથી રત્નકલાકાર વિકાસ સંઘ દ્વારા રત્નકલાકારો પાસેથી વસૂલાતો વ્યવસાય વેરો રદ કરવા છેક મુખ્યમંત્રી સુધી માંગણી કરવામાં આવી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે વ્યવસાય વેરો રદ કરવા ખાતરી આપી હતી પરંતુ પાછળથી સરકાર આ અંગે કોઈ નિર્ણય ન કરતા રત્નકલાકારો રાજ્યના બજેટની રાહ જોઈ રહ્યા હતા. 2020-21ના બજેટમાં રત્નકલાકારોને વ્યવસાય વેરામાં કોઈ રાહત નહીં અપાતા હવે બે દિવસ કારખાના બંધનું એલાન આપવા તૈયારી કરવામાં આવી છે.
સંઘ પ્રમુખના જણાવ્યા મુજબ આ બેઠકમાં તા. 15મી માર્ચ 2020થી તા. 17મી માર્ચ 2020 સુધી પ્રતિક ઉપવાસ રહેશે. તા. 6 માર્ચના રોજ જિલ્લા કલેક્ટર, ડાયમંડ એસોસિએશન તથા જેમ્સ એન્ડ જવેલરીમાં આવેદનપત્ર આપવામાં આવશે અને હીરાના કારખાના તા. 16મી માર્ચના રોજ બંધની અપીલ કરવામાં આવશે.