અમદાવાદ : છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી હતી.જો કે,વરસાદ થયો ન હતો.બીજી તરફ આજે અમદાવાદનું તાપમાન વધી 43.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને હવામાં ભેજ પણ વધુ હતો. જેના કારણે બપોરે ગરમી અને અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આજે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો.શહેરના ઘણા વિસ્તારમાં સંખ્યાબંધ ઝાડ ધરાશાયી થઇ ગયા હતા,હવામાં હોડીંગ્સ ફંગોળાઇ ગયા હતા.તેમજ શહેરના બોપલ,મેમનગર ,નારણપુરા,આશ્રમ રોડ,એસ.જી હાઈવે,થલતેજ
નહેરુનગર,સેટેલાઇટ,વસ્ત્રાપુર,વેજલપુર,પ્રહલાદનગર,ઘાટલોડિયા,પાલડી,એલિસબ્રિજ,રિવરફ્રન્ટ,સરખેજ,સનાથલ,શાંતિપુરા, બાકરોલ,વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
બોપલ-ઘુમા,સરખેજ,સનાથલ,બાકરોલ વરસાદથી લાઈટો ગુલ થઈ ગઈ હતી.જો કે વીજ કંપનીઓએ ભારે જહેમત ઉઠાવી અડધી કલાકમાં જ વીજ પૂરવઠો પૂર્વવત કર્યો હતો.કલાકમાં શહેરમાં બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.હવામાન વિભાગે આગાહી કરી છે કે,રાજ્યમાં નૈઋત્ય ચોમાસુ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઇ છે.હાલ વરસાદ લાવે તેવી બે સિસ્ટમ સક્રિય થઇ છે.જેની અસરને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.જ્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.શહેરમાં સવારથી સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેમ 12 વાગ્યાથી જ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો.બપોરે તો પારો 43.4 ડિગ્રી સુધી પહોંચી જવા સાથે હવામાં ભેજનું પ્રમાણ 50 ટકાની આસપાસ પહોંચી જવાને કારણે કાળઝાળ ગરમીની સાથે સાથે લોકોએ અસહ્ય બફારો સહન કરવો પડ્યો હતો.
જો કે,મોડી સાંજે વાતાવરણ પલટાયું હતું અને આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાઇ આવ્યા હતા.સાંજે છ વાગ્યાની આસપાસ બોપલ,મેમનગર,નારણપુરા,આશ્રમ રોડ,એસ.જી.હાઈવે,સરખેજ,સનાથલ, શાંતિપુરા,બાકરોલ,વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વરસાદ થતા લોકો ભીંજાવા માટે નીકળી ગયા હતા.તોફાની પવન સાથે વરસાદને પગલે શહેરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.ઉપરાંત ક્યાંક પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.ભારે પવન સાથે વરસાદ થતા રાયપુર દરવાજા પાસે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું દિશાસૂચક બોર્ડ ધરાશાયી થઈ ગયું હતું.


