મુંબઈ, તા. 19 જુલાઈ 2022 મંગળવાર : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલનો સમય હજુ ચાલુ છે.મુખ્યમંત્રી એકનાથ શિંદેના નવી દિલ્હી પહોંચવા અને પાર્ટીના 12 સાંસદોની બગાવત વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે કાલે મોડી રાતે એક ટ્વીટ કરી આકરા વલણમાં વિરોધીઓ સામે લડવાનો ઈશારો કર્યો છે.સંજય રાઉતે લખ્યુ છે, ”ફન કુચલને કા હુનર ભી સિખિએ… સાંપ કે ખૌફ સે જંગલ નહીં છોડા કરતે… જય મહારાષ્ટ્ર!!”
ગઈકાલે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામદાસ કદમ અને આનંદરાવ અડસુલ સહિત અનેક નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે.આ નેતાઓ પાર્ટી વિરોધી કાર્ય કરતા હોવાનુ ગણાવતા પાર્ટીમાંથી બહાર કાઢી મૂકાયા છે.આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે જેઓ અત્યારે નવી દિલ્હીમાં છે,શિવસેનાના 12 સાંસદની સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે તેવી શક્યતા છે.એકનાથ શિંદેએ ગઈકાલે શિવસેનાના 18 સાંસદોમાંથી 12ની સાથે ઓનલાઈન મીટિંગ કરી હતી.એકનાથ શિંદેના આ પગલાને જોતા અંદાજો લગાવાઈ રહ્યો છે કે શિંદે ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેના બળવા બાદ શિવસેના હવે બે જૂથમાં વહેંચાઈ ગઈ છે જેમાં પહેલુ જૂથ ઉદ્ધવ ઠાકરેનુ છે અને બીજુ જૂથ એકનાથ શિંદેનુ છે.હવે એકનાથ શિંદે જૂથે શિવસેના પર દાવો ઠોકવાનુ શરૂ કરી દીધુ છે.શિવસેનાના ધારાસભ્યોના બે જૂથમાં વહેંચાયા બાદ શિવસેનાના સાંસદ પણ બે જૂથમાં વહેંચાઈ રહ્યા છે.રાજ્યમાં શિવસેનાના કુલ 18 સાંસદ છે.તેમાંથી 12 શિંદે જૂથની સાથે છે.


