આરબીઆઈ દ્વારા ક્રિપ્ટોકરન્સી પર મૂકેલો પ્રતિબંધ ગેરકાયદે ગણાવ્યો
એજન્સી, નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે આજરોજ મહત્વનો ઓર્ડર આપતા ભારતમાં ક્રિપ્ટોકરન્સી જેમાં સૌથી વધુ પ્રચલિત બિટકોઈન છે તેના પરનો આરબીઆઈનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આ ચુકાદાને પગલે હવે દેશમાં બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ શક્ય બનશે. અગાઉ 6 એપ્રિલ 2018ના રોજ આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરીને ક્રિપ્ટોકરન્સી પર બેન મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટના જજ આર એફ નરિમાનની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આરબીઆઈ દ્વારા મૂકાયેલા પ્રતિબંધને ગેરકાયદે ઠેરવતા દેશમાં ક્રિપ્ટોકરન્સીની લેવડદેવડને મંજૂરી આપી હતી. ક્રિપ્ટોકરન્સીમાં વૈશ્વિક સ્તરે બિટકોઈન સૌથી વધુ મૂલ્ય ધરાવતી કરન્સી છે જેનું માર્કેટ કેપ 161 અબજ યુએસ ડોલર થાય છે.
શું છે ક્રિપ્ટોકરન્સી
ક્રિપ્ટો કરન્સી એક ડિજીટલ ચલણ છે જેમાં એન્ક્રિપ્શન ટેકનિકનો ઉપયોગ થાય છે અને તેના દ્વારા કરન્સી યુનિટના વધુ ઉત્પાદન તેમજ ભંડોળના ટ્રાન્સફર તેમજ સંચાલનને નિયંત્રીત કરી શકાય છે. આ સ્વતંત્ર પ્રક્રિયા છે જેમાં આરબીઆઈની કોઈ ભૂમિકા નથી રહેતી.
આરબીઆઈ દ્વારા દેશમાં ચલણની લેવડદેવડ પર નજર રાખી નિયંત્રણ રાખવામાં આવતું હોય છે જ્યારે ક્રિપ્ટોકરન્સીમાં એન્ક્રિપ્શન ટેકનિકને પગલે તે સંભવ નથી રહેતું જેથી આરબીઆઈએ બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂક્યો હતો.