શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેકન્સમાં 1459 પોઈન્ટનો અને નિફ્ટીમાં 442 પોઈન્ટનો પ્રચંડ કડાકો
એજન્સી, મુંબઈ
શેરબજારમાં આજે ફરીથી બ્લેક ફ્રાઈડે જોવા મળ્યો છે. ગયા શુક્રવારે પણ સેન્સેક્સમાં 1448 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આજે પણ શુક્રવાર છે અને આજે સેન્સક્સે ખુલાતાવેંત 1450 પોઈન્ટનું ગોથું ખાધું છે. આજે એક મિનિટમાં રોકાણકારોના ચાર લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. ચીનમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે વિશ્વના અન્ય દેશોમાં પણ પોતાનો પગપેસારો કરી દીધો છે. આ વાયરસની અસરથી ગ્લોબલ ઈકોનોમીની વૃદ્ધિ ધીમી પડી જવાના ફફડાટથી શેરબજારમાં મંદીનો માહોલ સર્જાયો છે.
ગુરૂવારે નિફ્ટી 11269 પોઈન્ટે બંધ થઈ હતી. જ્યારે આજે શુક્રવારે 10942 પોઈન્ટે ખુલી હતી. શુક્રવારે 9.50 વાગ્યા અત્યાર સુધીનો લો 10827 છે. આજે નિફ્ટી 327 પોઈન્ટ માઈનસમાં ખુલી હતી જ્યારબાદ 115 પોઈન્ટ ડાઉન ગઈ હતી. જેના પરથી સાબિત થાય છે કે નિફ્ટીમાં આજે શુક્રવારે 442 પોઈન્ટનો કડાકો બોલ્યો છે.
સેન્સેક્સ આગલા બંધ 38470.61 સામે આજે શુક્રવારના રોજ 37336.54 પોઈન્ટે ખૂલ્યો હતો. જ્યારે આજે સવારે 9.50 વાગ્યા સુધીનો લો 37011.08 પોઈન્ટ છે. આજે સેન્સેક્સ 1134 માઈનસમાં ખુલી વધુ કડાકા થકી 1450 પોઈન્ટ ગબડ્યો હતો. શેરબજારના બ્લેક ફ્રાઈડેમાં સેન્સેક્સના તમામ હેવીવેઈટ શેરોમાં રકાસ જોવા મળે છે. યસ બેન્કનો શેર 30 ટકા ગગગડી ગયો છે. આરબીઆઈએ બેન્કમાંથી રોકડ ઉપાડ પર 50 હજાર સુધીની મર્યાદા લાગુ કરી દેતા તેમજ તેના બોર્ડને સુપરસીડ કરવાના નિર્ણય પાછળ શેરમાં ગાબડું પડ્યું છે. સેન્સેક્સના 30 હેવીવેઈટ શેરો પૈકી એકપણ શેર ગ્રીન ઝોનમાં ન હતો અને તમામ રેડ ઝોનમાં સરકી ગયા હતા. ઈન્ડસઈન્ડ બેન્કમાં આઠ ટકાથી વધુનો કડકો બોલી ગયો છે જ્યારે એસબીઆઈમાં છ ટકા સુધીનો જ્યારે રિલાયન્સમાં ત્રણ ટકા સુધીનો કડાકો બોલ્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારના રોજ કહ્યું કે અમેરિકન અર્થવ્યવસ્થા કોરોના વાયરસના પ્રકોપ સામે અસરગ્રસ્ત થઈ શકે છે પરંતુ કરવામાં આવેલી ભવિષ્યવાણી પ્રમાણે આ પડકાર સામે લડત ઝીલી શકાશે અને આ સંકટમાંથી બહાર આવી શકાશે. ડોનાલ્ડ ટ્રમ્પ 2020ની ચૂંટણીના સંદર્ભે પોતાની પહેલી ટાઉન હોલ મીટિંગમાં જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે સવારે લગભગ 8.30 વાગ્યે આ નિવેદન આપ્યું હતું. ટ્રેડર્સના મતે વૈશ્વિક સ્તરે કોરોના વાયરસથી અર્થતંત્રોમાં વૃદ્ધિ ખોરવાશે તેવા ભયથી જોવા મળેલી વેચવાલીને પગલે સ્થાનિક શેરબજારમાં પણ નોંધપાત્ર ગાબડુ પડ્યું છે.
નોંધનીય છે કે ગુરૂવારના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ મુશ્કેલીગ્રસ્ત યસ બેન્કના ખાતેદારો માટે વધુ સૂચના ન મળે ત્યાં સુધી ૫૦,૦૦૦ની ઉપાડ મર્યાદા લાદી હતી. મોડી સાંજે એક નિવેદનમાં આરબીઆઇએ એમ પણ જણાવ્યું હતું કે, યસ બેન્કના બોર્ડને પણ તાત્કાલિક અસરથી ૩૦ દિવસ માટે સુપરસીડ કરવામાં આવ્યું છે. યસ બેન્કના વહીવટદાર તરીકે એસબીઆઇના ભુતપુર્વ સીએફઓ પ્રશાંત કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે.