નાગપુર તા. ૬ : એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે,મોટાભાગના લોકોને એવું લાગે છે કે સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગેની ૫૦ થી ૮૦ માહિતી અથવા સમાચારો ખોટા હોય છે.આ સર્વે નાગપુરની રાષ્ટ્રસંત તુકોજી મહારાજ યુનિવર્સિટીના જનસંચાર વિભાગે ૨૮ માર્ચથી ચાર એપ્રિલ વચ્ચે લગભગ ૧૨૦૦ લોકો પર કર્યો હતો.સર્વેક્ષણ અનુસાર,લોકડાઉન દરમિયાન લોકો ઇ-અખબાર દ્વારા પોતાને અપડેટ રાખે છે.સર્વેમાં ભાગ લેનારાઓમાં વિદ્યાર્થી,સરકારી અને ખાનગી નોકરીયાત,વેપારી,ધંધાર્થી અને ગૃહિણીઓ સામેલ છે.જનસંચાર વિભાગના હેડ ડોકટર મોઇઝ હન્નાર હકે જણાવ્યું હતું કે, બોગસ સમાચાર અંગેના એક સવાલ પર ૩૯.૧ ટકા લોકોએ કહ્યું કે સોશ્યલ મીડિયા પર ૫૦ થી ૮૦ માહિતી ખોટી હતી.લગભગ ૧૦.૮ ટકા લોકોને લાગે છે કે સોશ્યલ મીડિયા પર ૮૦ ટકાથી વધારે માહિતી બોગસ હોય છે.કોઇ પોસ્ટ કે સમાચાર ખોટા છે એ કેવી રીતે ખબર પડે છે એવા પ્રશ્નના જવાબમાં ૩૬.૫ ટકા લોકોનો જવાબ હતો કે તેમને એની જાણ ઓફીશ્યલ સ્ટેટમેન્ટ અથવા સરકારી સ્ત્રોત દ્વારા ચોખવટ કરવામાં આવે તેના દ્વારા થાય છે.ડોકટર હકે કહ્યું કે, આનાથી એ સાબિત થાય છે કે આરોગ્ય,પોલિસ,સ્થાનિક પ્રશાસન અને અન્ય સરકાર સ્ત્રોતના સક્રિય સંદેશની સકારાત્મક અસર થાય છે.શું મીડીયા અન્ય સમાચારોની સરખામણી કોરોનાને જરૂર કરતા વધારે પ્રેફરન્સ આપે છે તેવા પ્રશ્નના જવાબમાં ૩૪.૯ ટકા લોકો જ્યારે ૩૨.૩ ટકા લોકોએ તેની સામે અસંમતિ દર્શાવી હતી. હકે જણાવ્યું કે,લોકડાઉન દરમિયાન ડીજીટલ મીડીયા સમાચારોનો ઉપયોગ ૫.૮ ટકા જેટલો વધ્યો છે. જ્યારે ટીવીના દર્શકોની સંખ્યામાં ૮ ટકાથી થોડો વધારે વધારો થયો છે.