કોરોના વાયરસના કહેર વધારે તબાહી ન મચાવે તે માટે સરકાર દ્વારા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાયું છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ગુજરાત લોકડાઉનને 90 ટકા સુધી સફળ ગણાવ્યું હતું. પણ અમદાવાદ સહિત મહાનગરોમાં અમુક લોકો બહાર ફરતાં જોવા મળ્યા હતા. જો કે પોલીસે તેઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો હવે લોકડાઉનનો વધારે કડક અમલ કરાવવા માટે પાંચ જિલ્લાઓમાં RAFની ટીમની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરતમાં રેપિડ એક્શન ફોર્સની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાઓ કોરોનાગ્રસ્ત છે. અને અહીં એક બાદ એક કોરોના પોઝિટિવ કેસોનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને પહેલાં કોરોના વિદેશથી પરત ફરેલાં લોકોને જ હતો પણ હાલ હવે સ્થાનિક સ્તરે પર કોરોના ફેલાવવાની શરૂઆત થતાં જ પોલીસે લોકડાઉનનો કડક અમલ કરાવવા RAFની ફાળવણી કરી છે.ગુજરાતમાં લાગુ પડેલ કલમ 144 અને લોકડાઉનનું કડલ અમલીકરણ RAFની ટીમ દ્વારા કરાવવામાં આવશે. એટલે કે આગામી સમયમાં જો તમે જીવન જરૂરિયાતની વસ્તુ વગર એમ ને એમ બહાર નીકળશો તો તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. એટલે બધાને નમ્ર અપીલ છે કે કારણ વગર બહાર ન નીકળીએ. અને ઘરે રહીને સુરક્ષિત રહીએ અને કોરોના સામેની આ લડાઈમાં સાથ આપીએ.