બેંકમાંથી લોન આપવા લાંચ લીધીઃ જે માટે શેલ કંપનીઓનો ઉપયોગ
નવી દિલ્હી તા.૯: યસ બેંકના સહ સ્થાપક રાણા કપૂર અને તેના પરીવારે ડઝનેક બોગસ કંપનીઓ બનાવી હતી. જેનો ઉપયોગ કથિત રીતે ૪૩૦૦ કરોડ રૂપિયાની લાંચ લેવા અને સંપતિઓમાં ગેરકાયદે રોકાણ કરવા માટે કરાતો હતો.આ વાત ઈડીની પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે.ઈડીએ આ ૬૨ વર્ષના રાણા કપૂરની ગઇકાલે સવારે ધરપકડ કરી હતી.કપૂરને મુંબઇની સત્ર અદાલમાં રજુ કરાયો હતો ,જ્યાં તેને ૧૧ માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલાયો હતો.આના ત્રણ દિવસ પહેલા ભારતીય રીઝર્વ બેંકે યસ બેંકમાંથી નાણાં ઉપાડવા પર ૩૦ દિવસની મનાઇ ફરમાવી હતી અને તેનું બોર્ડ વિખેરી નાખ્યુ હતુ.આ દરમ્યાન રિઝર્વ બેંકે રોકાણકારોને ફરીથી વિશ્વાસ અપાવ્યો હતો કે તેમના નાણા સુરક્ષીત છે.સીબીઆઇએ પણ કપૂર, દિવાન હાઉસીંગ ફાઇનાન્સ (ડીએચએફએલ) અને તેના પ્રમોટર્સ તથા અન્ય વિરુધ્ધ ઈન્ડિયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ છેતરપીંડી,ગોટાળા અને ગુનાહિત ષડયંત્ર રચવાના આરોપો હેઠળ એફઆરઆઇ નોંધાવી છે.સુનાવણી દરમ્યાન ઈડીએ કોર્ટમાં કહ્યુ કે કપૂર પરિવાર સભ્યો દ્વારા સંચાલિત કેટલીક કંપનીઓમાં તેમની ભૂમિકાની તપાસ માટે રાણા કપૂરને કસ્ટડીમાં લેવાની જરૂર છે.ઈડીએ કહ્યુ કે આ કેસ ૪૩૦૦ કરોડ રૂપિયાના નાણા કૌભાંડ સાથે સંકળાયેલા છે.જેમા સામાન્ય જનતાના નાણા ફસાયેલા છે.ઈડીએ કોર્ટમાં કહ્યુ કે કપૂરને નાણાંકિય અનિયમિતતાઓ અને ખાનગી બેંકના પરિચાલનમાં કુપ્રબંધન તથા અંગત ફાયદા માટે ઘણી કંપનીઓને સંદિગ્ધ લોન આપવાના આરોપમાં ગિરફતાર કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે કપૂરની પુત્રી રોશની કપૂર રવિવારે દેશ છોડીને જવાનો પ્રયાસ કરી રહી હતી પણ કપૂર પરિવારના અન્ય સભ્યો વિરૂધ્ધ ઈડીએ લુકઆઉટ નોટીસ બહાર પાડેલી છે.સુત્રોએ હ્યુ કે યસ બેંકના કેસને સીબીઆઇના ડાયરેકટર અને ઉચ્ચ અધિકારીઓ હેન્ડલ કરી રહ્યા છે.
યસ બેંક સાથે અજીબોગરીબ ગુજરાત કનેકશન
ગુજરાત કેડરના આઇ.એ.એસ. અને ભૂતપૂર્વ નાણા સચિવ અશોક ચાવલા યસ બેંકના ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી ચેેરમેન પદે રહી ચુકયા છે.જયારે હાલમાં ગુજરાત કેડરના બીજા એક ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર મહેશ્વર શાહુ યસ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર ઉપર છે. હવે સીબીઆઇ અને ઇડી તેમની પુછપરછ કરી વિગતો મેળવે તેવી સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે