મુંબઈ : હાલમાં ઓનલાઈન ફ્રોડના બનાવ સતત વધી રહ્યા છે.અભિનેત્રી મહેક ચહલ પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની છે.અભિનેત્રી સાતે ૪૯ હજાર રૃપિયાની છેતરપિંડી થતાં તેણે બાંદરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.પોલીસે આર્થિક વ્યવહારથી માહિતી મેલવવા બેન્કને પત્ર લખ્યો છે.જેના આધારે આરોપી બાબતે મહત્ત્વની માહિતી મળી શકે છે.
એફઆઈઆર મુજબ,ચહલે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે એક લોજિસ્ટિક કંપનીનો નંબર શોધી રહી હતી.કુરિયર ડિલીવરી સર્વિસ કંપનીના સંપર્ક નંબરની શોધ કરતી વખતે એક વેબસાઈટ પર નજર ગઈ હતી.તેણે કુરિયર કંપનીનો સંપર્ક કર્યો ત્યારે ફોન પર એક વ્યક્તિએ તેને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વેબસાઈટ લિંક પર વિગતો ભરવાનુ કહ્યું હતું.તે વ્યક્તિએ રજીસ્ટ્રેશન ફી તરીકે ૧૦ રૃપિયા લેવામાં આવશે એમ કહ્યું હતું.ફોન કરનારે તેને યુપીઆઈ ટ્રાન્ઝેકશન દ્વારા રકમ ચૂકવવા માટે એક લિંક મોકલી હતી.
અભિનેત્રીએ પોલીસને જણાવ્યું હતું કે આ લિંક પર ક્લિક કર્યા પછી તેના યુપીઆઈ એકાઉન્ટનો પિન નંબર માગ્યો બાદમાં તેને એક મેસેજ મળ્યો કે તેના યુપીઆઈ એકાઉન્ટને અલગ મોબાઈલ નંબર દ્વારા એક્સેસ કરવામાં આવી રહ્યું છે.ત્યાર પછી તેને મેસેજ મળ્યો કે તેના ખાતામાંથી ૪૯,૦૦૦ રૃપિયા કાઢવામાં આવ્યા છે.છેતરપિંડી થઈ હોવાનું જણાતા અભિનેત્રીએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી.એક અધિકારીએ જણાવ્યું હતું કે આઈપીસીની કલમ ૪૧૯,૪૨૦,૩૪ અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.આ કેસની તપાસ ચાલી રહી છે.અમે કેસની વધુ તપાસ કરવા માટે ખાતાનાં વ્યવહારની વિગતો માટે સંબંધિત બેંકને પત્ર લખ્યો છે,એમ સિનીયર પોલીસે કહ્યું હતું.