કોલંબો, તા. 23 માર્ચ 2022, બુધવાર : ભારે આર્થિક તંગીના કારણે શ્રીલંકામાં હાહાકાર મચ્યો છે અને ખાવા-પીવાની ચીજ-વસ્તુઓના ભાવ આભને આંબી રહ્યા છે.શ્રીલંકામાં આર્થિક તંગી અને ભોજનનું સંકટ એ હદે વધી ગયું છે કે,હવે ભારત પર પણ તેની અસર પડવા લાગી છે.શ્રીલંકાના અનેક તમિલોએ હવે ભારતનો રસ્તો પકડ્યો છે.મંગળવારે આશરે 16 શ્રીલંકનોએ ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો.તે લોકો શરણાર્થી તરીકે ભારતમાં આવી રહ્યા છે.એક અંદાજ પ્રમાણે મોટી સંખ્યામાં શ્રીલંકન શરણાર્થીઓ ભારતમાં શરણ લેવાના છે.
શ્રીલંકન શરણાર્થીઓના 2 દળ મંગળવારે ભારતીય તટ પર પહોંચ્યા હતા.તે પૈકીની 6 લોકોની એક ટુકડીને તો રામેશ્વરમ કિનારેથી ભારતીય તટરક્ષક દળે બચાવી લીધી હતી.તેઓ અરિચલ મુનાઈથી દૂર ફોર્થ આઈલેન્ડ પર ફસાયા હતા.તેઓ સૌ શ્રીલંકાના ઉત્તર જાફના કે મન્નાર ક્ષેત્રમાંથી આવી રહ્યા છે.મંગળવારે આવનારી એક ટુકડીમાં 3 બાળકો પણ સામેલ હતા.તેઓ રામેશ્વર કિનારે એક ટાપુ પર ફસાયા હતા.ત્યાર બાદ ભારતીય તટરક્ષક બળના જવાનોએ તેમને ત્યાંથી બહાર કાઢ્યા હતા.તે સિવાય 10 લોકોની અન્ય એક ટુકડી મોડી રાતે ભારતીય કિનારે પહોંચી હતી.
2,000 શરણાર્થીઓ ભારત આવવાની તાકમાં
તમિલનાડુ પોલીસના કહેવા પ્રમાણે શ્રીલંકામાં ભારે બેરોજગારી અને ભોજનની તંગીના કારણે શ્રીલંકન શરણાર્થીઓ ભાગીને ભારત તરફ આવી રહ્યા છે.શ્રીલંકાનો ઉત્તરી ભાગ તમિલ બહુમતીવાળું ક્ષેત્ર છે. તમિલનાડુ ઈન્ટેલિજન્સના કહેવા પ્રમાણે આ ફક્ત શરૂઆત છે અને હજુ અનેક લોકો ત્યાંથી આવે તેવી શક્યતા છે.ઈન્ટેલિજન્સના મતે આશરે 2,000 શ્રીલંકન શરણાર્થીઓ ટૂંક સમયમાં જ ભારતનો રસ્તો પકડશે.
પૈસા આપીને જીવ જોખમમાં મુકીને આવ્યા
શરણાર્થીઓના કહેવા પ્રમાણે શ્રીલંકામાં છેલ્લા કેટલાક સપ્તાહથી ખાવા-પીવાની ચીજ-વસ્તુઓની ભારે તંગી સર્જાઈ છે.તેમણે જણાવ્યું કે,ભારતીય સમુદ્રમાં દાખલ થવા માટે તેમણે માછીમારને 50,000 રૂપિયા આપ્યા હતા.અન્ય ટુકડીએ કરેલા દાવા પ્રમાણે તેમણે ભારતમાં પ્રવેશવા માટે હોડીવાળાને 3 લાખ રૂપિયા આપ્યા હતા.આ સાથે જ તેમણે અનેક પરિવારો ભારત આવવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હતું.