અલ- અકસા મસ્જિદમાં થયેલી અથડામણ પછી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ટકરાવને લઇને દુનિયાભરના મુસ્લિમ દેશોમાં હલચલ જોવા મળી રહી છે.મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોપરેશન ( OIC) પણ સક્રીય થઇ ગયું છે.આ સંસ્થાના સભ્ય દેશોએ આ મામલે સંયુકત રાષ્ટ્ર મહાસભામાં આંતરરાષ્ટ્રીય બેઠક બોલાવવા માટે પાકિસ્તાન,તુર્કી અને સઉદી અરબની દરખાસ્તને મંજૂરી આપી છે.
જો કે, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દગન પેલેસ્ટાઇનને લઇને વધારે સક્રીય નજરે પડી રહ્યા છે.તુર્કીના રાષ્ટ્રપતિએ દુનિયાભરના મુસ્લિમ દેશોના પ્રમુખો સાથે વાત કરીને ઇધરાયલ સામે એકશન લેવાની મુહિમ શરૂ કરી છે.આ વચ્ચે તેમણે ઇઝરાયલને ઘેરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને કહ્યું કે ઇઝરાયલને કડક પાઠ ભણાવવાની જરૂર છે.તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરવા અને ઇઝરાયલને સ્પષ્ટ સંદેશ આપવા પર ભાર મુક્યો.એર્દીગને પુતિનને સૂચન કર્યુ કે પેલેસ્ટાઇનના લોકોની સુરક્ષા માટે એક આંતરારાષ્ટ્રીય સુરક્ષા બળ તૈયાર કરવા માટે વિચારણા થવી જોઇએ.
તુર્કીના રાષ્ટ્રપતિએ આ બાબતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે પણ ફોન પર ચર્ચા કરી. બનેં નેતાઓએ ઇઝરાયલના વલણ પર ચર્ચા વિચારણા કરી.બનેં નેતાઓએ કહ્યુ કે રમજાનના પવિત્ર મહિનામાં યરુશલમની અલ અકસા મસ્જિદમાં નમાજીઓ પર થયેલો હુમલો એ જઘન્ય અપરાધ છે અને આંતરારાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.આ વાતચીતમાં એર્દીગન અને ઇમરાનખાન એ વાત પર સહમત થયા કે તુર્કી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી આંતરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઇનના મુદ્દે સાથે મળીને કામ કરશે.તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યુ કે અલ-અકસા મસ્જિદ પરનો હુમલોએ માનવતા પરનો હુમલો છે.પેલેસ્ટાઇન પર ઇઝરાયલના હુમલાને લઇને તુર્કીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.કોરોના કરફ્યૂ હોવા છતા ઇસ્તંબૂલમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન થયેલી અથડામમમાં 14 બાળકો સહિત 56 લોકોના મોત થયા છે.જેમાં 6 ઇઝરાયલના અને એક ભારતીય મહિલાનું મોત સામેલ છે.ગાજાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે જયાં હુમલો થયો છે તે વિસ્તારમાં 300થી વધારે લોકો ઘવાયા છે. વર્ષ 2014ની ગાજા જંગ પછી આ સૌથી મોટો હુમલો છે જેમાં યરુશલમમાં પેલેસ્ટાઇનના પ્રદર્ળશનકારીઓ અને ઇઝરાયલની પોલીસ વચ્ચે થયેલા સંઘર્શને કારણે શરૂ થયો.