– હુમલાના કારણે જહાજને ખાસ નુકસાન નથી થયું અને યાત્રા ચાલુ રાખી
નવી દિલ્હી, તા. 26 માર્ચ : ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે અરબ સાગરમાં ઈઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઈલ હુમલો થયો છે.ઈઝરાયલના એક સિક્યોરિટી અધિકારીએ આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.
એક અહેવાલ પ્રમાણે આ જહાજ તાંઝાનિયાથી ભારત આવી રહ્યું હતું.હુમલાના કારણે જહાજને ખાસ નુકસાન નથી પહોંચ્યું અને તે પોતાની યાત્રા ચાલુ રાખી શકે છે.પોર્ટ સિટી હાએફા ખાતેનું એક્સટી મેનેજમેન્ટ આ જહાજનો માલિકી હક ધરાવે છે.જો કે, હજુ સુધી ઈઝરાયલ સરકારના અધિકારીઓએ આ હુમલાને લઈ કોઈ કોમેન્ટ નથી આપી.
હુમલા બાદ તે જહાજ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું હતું પરંતુ 3 કલાક બાદ જહાજે પોતાની સામાન્ય સ્પીડ પકડી લીધી હતી.ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા પણ ગલ્ફ ઓફ ઓમાનમાં આવા જ એક ઈઝરાયલી જહાજ પર હુમલો થયો હતો. 25 ફેબ્રુઆરીની રાતે એમવી હેલિયોસ રે નામના જહાજ પર હુમલાને લઈ ઈઝરાયલના વડાપ્રધાને ઈરાનને દોષિત ઠેરવ્યું હતું.જો કે, ઈરાને પોતાના પર લાગેલા આરોપોને નકારી દીધા હતા.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે તણાવ જોવા મળી રહ્યો છે.થોડા સમય પહેલા ઈઝરાયલના સંરક્ષણ મંત્રી બેની ગેન્ટ્સે કહ્યું હતું કે,જો ઈરાન પોતાની પરમાણુ હથિયારો બનાવવાની યોજના પર કામ ચાલુ રાખશે તો ઈઝરાયલ તેના પરમાણુ ક્ષેત્રો પર હુમલો કરશે.ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે,તેમનો દેશ પોતાના કોઈ સહયોગી દેશની મદદ વગર પણ ઈરાન પર હુમલો કરવાની તાકાત ધરાવે છે.
વળતા જવાબમાં ઈરાનના સંરક્ષણ મંત્રી અમીર હાતમીએ કહ્યું હતું કે,જો ઈઝરાયલે હુમલો કરવાનું વિચાર્યું તો તેઓ તેલ અવીવ જેવા પ્રમુખ શહેરોને બરબાદ કરી દેશે.વધુમાં કહ્યું હતું કે,ઈરાન પાસે પોતાના દેશનું રક્ષણ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે.