મુંબઈ : અત્યારસુધી શહેરમાં કેરીની આવક ઓછી હોવાથી તેના ભાવ આસમાને પહોંચ્યા હતાં, જે હવે આવક વધતાં ફરી નીચે ઊતર્યા છે.એપીએમસીમાં દૈનિલ લગભગ ૯૦ હજાર પેટીની આવક થવા માંડી છે, જેથી હજાર રુપિયે ડઝન મળતી કેરીની કિંમત ઘટીને ૨૦૦ થી ૫૦૦ રુપિયા જેટલી બોલાઈ રહી છે.આથી હવે સામાન્યજનો તેમજ કેરીના રસિયાઓને મન ભરીને કેરીનો આનંદ માણવા મળશે.કોરોનાના સંકટને કારણે ગત બે વર્ષથી કેરીના ઉત્પાદકો અને વેપારીઓને મંદીનો સામનો કરવો પડયો હતો.પરંતુ હવે કોરોનાનું જોખમ ટળતાં પરિસ્થિતિ થાળે પડી રહી છે.ત્યારે બજારમાં કેરીની માગ પણ વધી રહી છે.નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ગત એક અઠવાડિયાથી કેરીની મબલખ આવક થઈ રહી છે.દિવસે આશરે ૯૦ હજાર પેટીની આવક થવા માંડી છે.આથી કેરીના ભાવ ઘટવા માંડયા છે.
કોંકણના રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ જિલ્લામાંથી કેરીની આવક વધી છે.કમોસમી વરસાદને પગલે એપ્રિલ મહિને કેરીની આવક ઘટતાં ભાવ ઉંચકાયા હતા.પરંતુ હવે ભાવ ઓછાં થતાં ગ્રાહકોને રાહત થઈ છે.આફૂસ સાથે જ પાયરી, કેસર, બદામી, લાલબાગ, મલિકા કેરીની પણ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવક વધી છે.આફૂસના દર સસ્તાં થયાં છે, આવક વધી છે અને ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી આદ્રા બેસે તે પહેલાં જૈનો પણ કેરીનો સ્વાદ માણી લેવા માગે છે તેમજ હવે આફૂસની સીઝન આગામી ૧૫ દિવસ જેટલી જ હોવાથી કેરીના સ્વાદને મન ભરીને માણી લેવા માગતાં સ્વાદરસિયાઓની એપીએમસીમાં દરરોજ કેરી ખરીદવા માટેની ભીડ વધતી જોવા મળી રહી છે.
એપીએમસીમાં કેરીના ભાવ
આફૂસ – ૨૦૦ થી ૫૦૦ રુપિયા ડઝન, તોતાપુરી – ૪૦ થી ૫૦ રુપિયા કિલો, લાલબાગ – ૬૦ રુપિયા કિલો, બદામી – ૭૦ રુપિયા કિલો, કેસર – ૧૫૦ રુપિયા કિલો, પાયરી – ૧૫૦ થી ૪૫૦ રુપિયા ડઝન