કોઇ રમત રમવા માટે ઉંમરની નહીં પણ આત્મવિશ્વાસ અને હિમ્મતની જરૂર છે અને તેને આધારે દરેક ટીમ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.વાસણા વિસ્તારમાં રહેતા અમિતાબહેન શાહે કહ્યું કે, બાળપણથી રમત રમવાનો આનંદ આવતો હતો. 1996માં શ્રીન્યુવિદ્યાવિહાર ફોર ગર્લ્સ સ્કૂલમાંં ધોરણ 12માં બહેનો અભ્યાસ કરતી હતી.અમારા કોચગુરુ ઇ.જે.સેમ્યુઅલે હોકીની તાલીમ આપી હતી જેને લીધે સ્કૂલમાંથી અમે નેશનલ લેવલે 10થી વધુ વાર પાર્ટિસિપેન્સ થયા હતા અને 4 વાર ચેમ્પિયન બન્યા હતા.થોડા વર્ષો પહેલાં અમારું કોચગુરુનું અવસાન થતા અમને ઘણું દુઃખ થયું હતું આ સમયે અમારી સાથે અભ્યાસ કરતી બહેનોએ કોચને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે ફરીથી હોકીની રમત રમવાનું નક્કી કર્યું હતું. સ્કૂલમાંથી અભ્યાસ કર્યા પછી લગ્ન જીવન સાથે ઘરકામ,બિઝનેસ કે પછી નોકરી કરતી અમારા ગ્રુપની તમામ બહેનોએ 24 વર્ષ પછી હોકીની રમત રમવા માટે જોડાવાનું નક્કી કર્યું હતું.અમે ઝેવિયર્સ લોયલામાં કોચગુરુની બહેન એડના રાઠોડ પાસે પ્રેક્ટિસ કરીએ છીએ.પ્રેક્ટિસ માટે પૂરતો સમય મળતો નથી તેમ છતાં ૨૦૨૧ના ખેલમહાકુંભમાં ઓપન કેટેગરીમાં અમારી ટીમ જોડાઇ હતી. અમારી ટીમમાં અમારા ગ્રુપની 8 બહેનો અને 5 કોલેજ ગર્લ્સ સ્ટુડન્ટ જોડાયેલી છે. ગુજરાત કોલેજના મેદાનમાં ઓપન એજ ગ્રુપમાં ફાઇનલમાં અમારી ‘લોયોલા આઇકોન’ની ટીમ ‘રે ઓફ હોકી લાઇટ’ ટીમ સામે 6-0થી જીત મેળવીને ડિસ્ટ્રીક લેવલે વિજેતા થયા હતા.અમારું લક્ષ્ય આગામી સમયમાં નેશનલ લેવલે વિજેતા થવું છે અને તે માટે સખત પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. હોકીની પ્રેક્ટિસ માટે દરેકના પરિવારનો સપોર્ટ રહ્યો. અમારી ટીમની દરેક બહેનોનો હોકીની રમત માટેનો જુસ્સો ઘણો છે.બહેનો હોકીની પ્રેક્ટિસ સાથે પોતાના ઘરકામ કરે છે અને સાથે રમત પણ રમે છે. અમારી હોકીની રમતની જીતમાં દરેક પરિવારનો સપોર્ટ રહેલો છે અને તેને લીધે આ સિદ્ધિ મેળવી શક્યા છે.દરેક મહિલાઓ પોતાની મનગમતી રમત સાથે જોડાઇને પોતાનું પરફોર્મન્સ આપવું જોઇએ.