મોસ્કો,23 માર્ચ,2022,બુધવાર : યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 28 દિવસથી યુધ્ધ ચાલે છે.રશિયા ભીષણ હુમલા કરી રહયું છે પરંતુ લડાયક યુક્રેન મચક આપતું નથી.યુધ્ધની વિભિષિકાનો સૌથી વધુ ભોગ યુક્રેનના આમ નાગરિકો બન્યા છે. 36 લાખથી વધુએ દેશ છોડીને શરણાર્થી જીવન જીવી રહયા છે આવા સંજોગોમાં યુક્રેન શરણાર્થીઓની મદદ માટે રશિયન પત્રકાર દિમિત્રી મુરાટોવે પોતાને મળેલા શાંતિ પુરસ્કારનું દાન કરવાનું નકકી કર્યુ છે.
આ મેડલની નિલામીના જેટલા પણ પૈસા આવશે તે યુધ્ધ પીડિતો માટે ખર્ચ કરશે.રશિયન પત્રકાર દિમિત્રી મુરાટોવ ધ નોવાયા ગજેરા નામના ન્યૂઝ પેપરના મુખ્ય સંપાદક છે.રશિયન સરકારે થોડાક સમય પહેલા પોતાના 10 સ્થાનિક મીડિયા હાઉસને યુક્રેન સૈન્ય અભિયાન અંગે ગંભીરતાપૂર્વક લખવાની ચિમકી ઉચ્ચારી હતી જેમાં દિમિત્રી મુરાટોવના ધ નોવાયા ગજેટાનો પણ સમાવેશ થતો હતો.
દરેક મીડિયા હાઉસને યુક્રેન સાથેના યુધ્ધની ખોટી રીતે ટીપ્પણી કરવા બદલ નોટિસ પણ મોકલવામાં આવી હતી.દિમિત્રી મુરાટોવે પોતાના અખબારમાં લેખ પ્રકાશિત કર્યો જેમાં યુક્રેનમાં 1 કરોડથી વધુ લોકો શરણાર્થી બની ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુક્રેનના શરણાર્થી કોષમાં 2021માં મળેલા નોબેલ પારિતોષિકની હરાજી કરવા તૈયાર છે.
આ અંગે ઓકશન કરનારાઓને પણ આગ્રહ કર્યો હતો.યુક્રેનનું સૈન્ય અને લડાઇમાં જોડાયેલા લડાયક નાગરિકો શરણાગતિ સ્વીકારતા ન હોવાથી રશિયાએ યુક્રેનના ખારકિવ,મારિયૂપોલ,કીવ જેવા શહેરો પર હુમલાઓ તેજ કર્યા છે.આ યુધ્ધનો સૌથી વઘુ ભોગ આમ નાગરિકો બની રહયા છે.યુક્રેનમાં 25000થી વધુ બિલ્ડિંગો જમીનદોસ્ત થઇ છે.જે લોકો ઘરમાં છુપાઇને રહેવા મજબૂર છે.જીવન જરુરીયાતી ચીજવસ્તુઓ વિના ભૂખથી ટળવળે છે.
નોબેલ પારિતોષિક વિજેતા દિમિત્રી મુરાટોવે કોણ છે?
તેમનું પુરું નામ દિમિત્રી આંદ્રેવિચ મુરાટોવ છે.રશિયાના આ જાણીતા જર્નાલિસ્ટ રશિયામાં નોવાજા ગાજેટા નામના અખબારની સ્થાપના સાથે જોડાયેલા છે.નોબેલ કમિટીએ મુરાટોવના નેતૃત્વમાં નોવાજા ગાજેટા સૌથી તટસ્થ અને વિશ્વસનિય અખબાર હોવાથી 2021માં શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.આજના સમયમાં અભિવ્યકિત અને સ્વતંત્રતાના સિધ્ધાંત સાથે સમજૂતી કર્યા વિના કામ કરવું અઘરું છે ત્યારે મુરાટોવ રશિયામાં વર્ષોથી સ્થાપિત હિતો સામે લડાઇ આપી રહયા છે.
મુરાટોવ સાથે ફિલિપાઇન્સની મારિયા રેસ્સાને પણ ઇનવેસ્ટિગેટિવ જર્નાલિઝન અને તાનાશાહી સામે અભિવ્યકિતની લડાઇ બદલ સંયુકત રીતે શાંતિ પુરસ્કાર મળ્યો હતો. દિમિત્રી મુરાટોવ યુક્રેન સાથેનું યુધ્ધ બંધ કરવાની,યુધ્ધ કેદીઓને અરસ પરસ છોડવાની,હ્નુમન કોરિડોર તૈયાર કરવાની અને શરણાર્થીઓની મદદ કરવા પર ભાર મુકી રહયા છે.