કીવ,16 માર્ચ,2022,બુધવાર : યુક્રેન-રશિયા વચ્ચેના ભીષણયુધ્ધથી વિનાશ વેરાઇ રહયો છે.24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરી ત્યારથી માંડીને આજ સુધી યુક્રેનના 28 લાખથી વધુ લોકો યુધ્ધના માહોલમાં સરહદ પાર કરીને અન્ય દેશોમાં જતા રહયા છે.સંયુકત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર બીજા વિશ્વયુધ્ધ પછી યુરોપ ઉપરનું આ સૌથી મોટું શરણાર્થી સંકટ તોળાઇ રહયું છે.
યુક્રેન છોડી જનારામાં 50 ટકાથી વધુ લોકો બીજા દેશોમાં શરણાર્થી બનીને શિબિરોમાં રહેવા મજબૂર છે.જેમની પાસે જીવન નિર્વાહ માટે કોઇ જ વિકલ્પ નથી.યુધ્ધના ડરથી સેંકડો લોકો ઘરબાર બધુ જ મુકીને નિકળી ગયા.બોર્ડર ક્રોસ કરીને તેઓ શું કરશે એનો પણ કોઇ જ વિચાર કર્યો નથી.આ શરણાર્થીઓ માટે યુક્રેનનું યુધ્ધ મહા મુસિબત બનીને આવ્યું છે.યુક્રેનના શરણાર્થીઓ પોલેન્ડ, સ્લવાકિયા,રોમાનિયા,હંગેરી અને મોલ્દાવામાં મોટી સંખ્યામાં રહે છે.પોલેન્ડમાં સૌથી વધુ 10 લાખથી વધુ યુક્રેન શરણાર્થીઓ રહે છે.
અત્યાર સુધીમાં 18 લાખથી વધુ યુક્રેની પોલેન્ડ બોર્ડર ક્રોસ કરીને આગળ વધ્યા છે.યુક્રેનના શરણાર્થીઓ મધ્ય અને પશ્ચીમ યૂરોપ તરફ આગળ જઇ રહયા છે.જર્મની અને લુથેનિઆમાં પણ યુદ્ધ શરણાર્થીઓ વધતા જાય છે.આંતરરાષ્ટ્રીય સેવા સંગઠનો,જે તે દેશની સરકારો,સ્વૈચ્છિક સંસ્થાઓ અને માનવતાવાદીઓ શરણાર્થીઓને જીવન જરુરીયાતી ચીજ વસ્તુઓ અને આવાસ સુવિધા પુરી પાડી રહયા છે.
રશિયા યુક્રેન વોર શાંત પડશે એ પછી પણ વર્ષો સુધી શરણાર્થીઓની સમસ્યા રહેવાની છે. 4.4 કરોડની વસ્તી ધરાવતું યુક્રેન બરબાદ થઇ રહયું છે.યુક્રેનમાં 50 લાખથી વધુ લોકો ઘર બાર વિહોણા થઇ ગયા છે.એક માહિતી અનુસાર હજુ પણ જો હ્નુમન કોરિડોરનો અમલ કરવામાં આવે તો અસંખ્ય લોકો યુધ્ધની ત્રાસદીથી યુક્રેન છોડવા ઇચ્છી રહયા છે.રશિયાની વધતી જતી હુમલાઓની તિવ્રતા સામે યુક્રેન ભલે ઝુક્યું નથી લોકોની દયનિય સ્થિતિ બની રહી છે એ ચોકકસ છે.