જામનગર તા 18 એપ્રિલ 2022,સોમવાર : જામનગર પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી એક યુવતીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.તેણીએ છ મહિના પહેલાં રાજકોટમાં એક યુવક સાથે મૈત્રી કરાર કર્યા પછી બે દિવસ પહેલાં જામનગર પરત ફરી હતી, અને ગઈકાલે આ પગલું ભરી લેતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ સોલંકીની પુત્રી મયુરીબેન (ઉંમર વર્ષ 29) એ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.આ બનાવ અંગે મૃતકના માતા કંચનબેન ગિરીશભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.બી.ગાંભવા ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન મૃતક યુવતી કે જેણે આજથી છ મહિના પહેલા રાજકોટમાં મૈત્રી કરાર કર્યા હતા, અને ત્યાં રહેતી હતી.દરમિયાન બે દિવસ પહેલાં જામનગર પરત આવી હતી, અને ગઈકાલે આ પગલું ભરી લીધું હતું.સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.