મુંબઈ : મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગે મુલુંડમાં રહેતા અને અંધેરીમાં મસાલાનો વેપાર કરતા ૫૯ વર્ષના ઉમેશ ચાંપશી નાગડાની સરકારના ટૅક્સના ૫૮.૮૯ કરોડ રૂપિયા ગુપચાવવા બદલ શુક્રવારે અંધેરી વેસ્ટમાંથી ધરપકડ કરી હતી.તેના પર આરોપ છે કે તેણે શ્રી અરવિંદો ઇન્સ્ટિટ્યૂટ ઑફ અપ્લાઇડ સાયન્ટિફિક રિસર્ચ ટ્રસ્ટ બનાવીને આ છેતરપિંડી કરી હતી.તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે ૩૧ મે સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.ઈઓડબ્લ્યુના એક ઑફિસરે‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘શ્રી અરવિંદો ઇન્સ્ટિટ્યૂટ ઑફ અપ્લાઇડ સાઇન્ટિફિક રિસર્ચ ટ્રસ્ટ પહેલાં સાયન્ટિફિક રિસર્ચ કરવાના હેતુ માટે કૉલેજ,ઇન્સ્ટિટ્યૂટ કે પછી યુનિવર્સિટી બનાવી શકે એ માટે રજિસ્ટર કરાયેલું હતું.ઉમેશ નાગડા એના ટ્રસ્ટી છે.માર્ચ ૨૦૧૯માં ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં ઉમેશ નાગડા અને અન્ય લોકો સામે એ રીતનો કેસ કર્યો હતો કે ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન ૨૦૦૬માં જ પૂરું થઈ ગયું હતું અને એ પછી પણ તેમણે ટ્રસ્ટના નામે ડોનેશન ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું અને એ માટે ટ્રસ્ટનું બોગસ સર્ટિફિકેટ પણ દર્શાવવામાં આવતું હતું.’તેમણે વધુમાં કહ્યું હતું કે‘ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે એ સંદર્ભે તપાસ કરવા નવી દિલ્હીના સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્ટિફિક રિસર્ચને પત્ર લખીને એ બાબતે જાણકારી માગીને તપાસ કરી હતી.ત્યારે એવો જવાબ આવ્યો હતો કે આવું કોઈ ટ્રસ્ટ અસ્તિત્વમાં જ નથી.એથી જ્યારે જાણ થઈ કે એ ટ્રસ્ટ જ બોગસ છે ત્યારે વધુ તપાસ કરવામાં આવતાં ૨૦૧૩થી લઈને ૨૦૧૮ દરમિયાન ટ્રસ્ટે ૧૯૪.૬૭ કરોડ રૂપિયા ટ્રસ્ટના નામે દાન સ્વીકાર્યું હતું અને એ સાત અલગ અકાઉન્ટમાં જમા થયું હોવાનું જણાઈ આવ્યું હતું.આમ કરીને સરકારના ટૅક્સના ૫૮.૫૯ કરોડ રૂપિયા ગુપચાવવામાં આવ્યા હતા.’
ટ્રસ્ટના નામે ભેગી કરાયેલી એ રકમ ત્યાર બાદ ગુજરાતની છ બૅન્કોમાં અકાઉન્ટ ધરાવતી કંપનીઓને ડાઇવર્ટ કરાઈ હતી.જોકે એ કંપનીઓની તપાસ કરવામાં આવી ત્યારે એ કંપનીઓની ઑફિસોમાં કોઈ જ ન હોવાનું જણાઈ આવતાં ઍક્ચ્યુઅલી એ રૂપિયા કોણ ચાંઉ કરી ગયું એની ભાળ નથી મળી રહી.ઇઓડબ્લ્યુને તપાસ દરિમયાન એટલું જાણવા મળ્યું કે ટ્રસ્ટી ઉમેશ નાગડા પાસેથી દીપક ચીમનલાલ શાહ બ્લૅન્ક ચેક પર સહી કરાવીને લઈ જતો હતો અને ઉમેશ નાગડાને દર મહિને ૨૦,૦૦૦ રૂપિયા પગાર અને ઇન્સેટિવ આપવામાં આવતા હતા.ઉમેશ નાગડાએ તપાસ દરમિયાન એમ કહ્યું છે કે દીપક શાહ આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે.