અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજો સતત વધી રહ્યો છે અને હવે તેઓ સંપૂર્ણ નિયંત્રણની નજીક આવી ગયા છે.આ બધાની વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે શું તાલિબાનને આંતરરાષ્ટ્રીય માન્યતા મળશે.જો તાલિબાન અફઘાનિસ્તાન પર સંપૂર્ણપણે કબજો કરી લે તો ભારતનું પગલું શું હશે? તાલિબાન પ્રત્યે દેશોનું વલણ ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યું છે.અમેરિકા,ભારત,ચીન સહિત ઘણા દેશો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનમાં બંદૂકના સહારે આવનારી કોઈપણ સરકારને માન્યતા આપશે નહીં અને તેની વચ્ચે એવા સમાચાર પણ છે કે ચીન તાલિબાનને માન્યતા આપવા રાજી થઇ ગયું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનને શું માન્યતા મળશે? દોહામાં પ્રાદેશિક સંમેલન પછી ભારત,કતાર અને અન્ય ઘણા દેશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અફઘાનિસ્તાનમાં લશ્કરી કબજાને કોઈ માન્યતા મળશે નહીં.રિપોર્ટ અનુસાર 10 ઓગસ્ટના રોજ દોહામાં થયેલી બેઠકમાં ચીન અને પાકિસ્તાન એવા દેશોમાં સામેલ હતા જેમણે કહ્યું હતું કે તેઓ કોઈ હિંસક અધિગ્રહણને માન્યતા નહીં આપે.તાલિબાનના વધતા અત્યાચાર વચ્ચે રાજકીય સમાધાન માટે પણ પ્રયાસો ચાલુ છે.
10 ઓગસ્ટના રોજ દોહામાં અમેરિકા,ચીન,ઉઝબેકિસ્તાન,પાકિસ્તાન,બ્રિટન,સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયનની એક બેઠક યોજાઇ હતી, ત્યારબાદ 12 ઓગસ્ટે ભારત,જર્મની,નોર્વે,તાજિકિસ્તાન,તુર્કીના પ્રતિનિધિઓ સાથે બીજી બેઠક યોજાઈ હતી.બંને બેઠકોમાં તમામ પ્રતિનિધિઓએ અફઘાન સરકાર અને તાલિબાનને વિનંતી કરી કે તેઓ આત્મવિશ્વાસ વધારવા માટે પગલાં લે અને રાજકીય ઉકેલ અને વહેલી તકે વ્યાપક યુદ્ધવિરામ સુધી પહોંચવાના પ્રયાસોને વેગ આપે.
તાલિબાનના વધતા આતંકની વચ્ચે શું વિચારી રહ્યું છે ભારત
ગુરુવારે ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વધતી દખલગીરી બાદ ત્યાં ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે કતારમાં યોજાયેલી પ્રાદેશિક પરિષદની બેઠકમાં પણ ભાગ લીધો હતો.નવી દિલ્હીના અધિકારીઓએ કહ્યું કે વિદેશ મંત્રાલય (MEA)માં પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન વિભાગના સંયુક્ત સચિવ જેપી સિંહે ભારત તરફથી બેઠકમાં ભાગ લીધો હતો.ભારતે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ ચિંતાનો વિષય છે અને તે એ દેશમાં હિંસા સમાપ્ત કરવા માટે વ્યાપક યુદ્ધવિરામની રાહ જોઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે સંઘર્ષ નિવારણ માટે કતારના ખાસ દૂત મુતલક બિન માજીદ અલ-કહતાનીએ ગયા સપ્તાહે રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત દરમિયાન ભારતને બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
તાલિબાનને લઇ ચીનનું બદલાતું વલણ
એકબજુ સમાચાર આવે છે કે બંદૂકોની મદદથી અફઘાનિસ્તાનમાં આવનારી સરકારને માન્યતા આપવામાં આવશે નહીં, તો બીજી બાજુ એવા સમાચાર પણ છે કે ચીન તાલિબાનને માન્યતા આપવા માટે તૈયાર દેખાઇ રહ્યું છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન પ્રત્યે ચીનના વલણથી અમેરિકા સહિત અન્ય દેશો પણ ચોંકી ગયા છે, જે તાલિબાન સામે કડક પ્રતિબંધો લાદવાની યોજના બનાવી રહ્યા છે.જોકે ચીન તાલિબાન પર શાંતિ સમજૂતી માટે જાહેરમાં દબાણ કરી રહ્યું છે.
યુએસ ન્યૂઝ રિપોર્ટ અનુસાર જો તાલિબાન આતંકવાદીઓ અફઘાનિસ્તાન પર કબજો મેળવવામાં સફળ થાય છે તો ચીન તેમને માન્યતા આપવા માટે તૈયાર છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ગની સરકાર અને તાલિબાન વચ્ચે સમાધાન ઈચ્છે છે. ચીનના નવા લશ્કરી અને ગુપ્તચર આકરણી બાદ અફઘાનિસ્તાનની જમીની વાસ્તવિકતાને જોતા હવે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ તાલિબાન સાથે ઔપચારિક સંબંધો શરૂ કરવા સહમત થઇ ગયા છે.
તાલિબાન હુમલાથી NATO પરેશાન
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલાથી લશ્કરી જોડાણ પરેશાન છે અને બળવાખોરોને ચેતવણી આપી રહ્યું છે કે જો તેઓ બળપૂર્વક દેશ પર કબજો કરે છે તો તેઓને પશ્ચિમી દેશો કાયદેસર ગણશે નહીં.નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) ના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે નાટો દેશોના રાજદૂતો સાથે વાતચીતની અધ્યક્ષતા કર્યા બાદ શુક્રવારે કહ્યું હતું કે તાલિબાનના હુમલાને કારણે થતી હિંસાને લઇને ગંભીર રીતે ચિંતિત છે,જેમાં નાગરિકો પર હુમલાઓ અને અન્ય ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનોનો સમાવેશ રિપોર્ટમાં સામેલ છે.