– દાઉદે એને મનોરંજનનું સર્વોચ્ચ સન્માન અપાવ્યું
– સાવ સાધારણ અભિનેત્રી દાઉદથી 27 વર્ષ નાની છે
કરાચી/ નવી દિલ્હી તા.25 ઑગષ્ટ 2020 મંગળવાર : એક સમયે સમગ્ર બોલિવૂડ પર પોતાનો એકચક્રી પ્રભાવ પાથરી ચૂકેલા ડૉન દાઉદ ઇબ્રાહિમ વિશે એક નવી જાણકારી મળી હતી. દાઉદ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનની એક એવરેજ ગણાતી અભિનેત્રી મહવીશ હયાત પાછળ ગાંડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.
ઉંમરમાં દાઉદ કરતાં 27 વર્ષ નાની આ અભિનેત્રી પાકિસ્તાનના ફિલ્મોદ્યોગમાં સાવ સામાન્ય અથવા કહો કે સી ક્લાસની અભિનેત્રી ગણાતી હતી. પરંતુ દાઉદે પોતાની પોલિટિકલ વગના પગલે 2019માં આ અભિનેત્રીને એક બહુ પ્રતિષ્ઠિત નાગરિક સન્માન તમગા-એ -ઇમ્તિયાઝ અપાવ્યું ત્યારે પાકિસ્તાની ફિલ્મોદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો.
એક વેબ પોર્ટલે તો લખી નાખ્યું હતું કે મહવીશને તમગા એ ઇમ્તિયાઝ મળવાથી પાકિસ્તાની ફિલ્મોદ્યોગ દંગ અને અપસેટ થઇ ગયો હતો.થોડાં વર્ષ પહેલાં આ યુવતીને કોઇ પિછાણતું પણ નહોતું. વેબ પોર્ટલે લખ્યું છે કે કરાચીમાં વસતી એક ખૂબ વગશીલ વ્યક્તિની નજીક હોવાથી મહવીશને આ એવોર્ડ મળ્યો હતો.બાકી પાકિસ્તાની ફિલ્મોદ્યોગમાં એનું પ્રદાન નહીંવત્ હતું.વેબ પોર્ટલે લખ્યું હતું કે કરાચીમાં વસતી આ વગશીલ વ્યક્તિ હાલના શાસક પક્ષ પાકિસ્તાન તહરિક એ ઇન્સાફ પર પણ સારી વગ ધરાવે છે એટલે એ મહવીશને આ એવોર્ડ અપાવી શકી હતી.તમેજ કલ્પી લો કે કરાચીમાં વસતી એ સેલેબ્રિટિ કોણ છે એવું આ પોર્ટલમાં લખ્યું હતું.
આ પોર્ટલમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે કરાચીની એ વગદાર વ્યક્તિના દબાણના કારણે જ પાકિસ્તાનની ફિલ્મો મહવીશને મળી રહી હતી.બાકી એ એક સાધારણ અભિનેત્રી છે.પાકિસ્તાનના દૂરસંચાર પ્રધાન ફવાદ ચૌધરીએ થોડા સમય.પહેલાં જાહેરમાં એ હકીત સ્વીકારી હતી કે પોતે મહવીશને ફક્ત એકવાર મળ્યા હતા.તો પછી મહવીશને સર્વોચ્ચ નાગરિક સન્માન શી રીતે મળ્યું એનો જવાબ પ્રધાનશ્રી આપી શક્યા નહોતા.