જોહાનિસબર્ગ : મહાત્મા ગાંધીના ૫૬ વર્ષીય પ્રપૌત્રી આશિષલતા રામગોબિનને ૬૨ લાખ રેન્ડ (રૂપિયા ૩.૨૨) કરોડના ફ્રોડ અને ફોર્જરી કેસમાં દક્ષિણ આફ્રિકાની અદાલત દ્વારા દોષી ઠેરવી ૭ વર્ષની કેદ ફટકારવામાં આવી છે.ડર્બનની અદાલતે આશિષલતા રામગોબિનને સોમવારે આ કેસમાં દોષી ઠેરવ્યાં હતાં.દક્ષિણ આફ્રિકાના બિઝનેસમેન એસ આર મહારાજે આશિષલતા રામગોબિન પર ૬૨ લાખ રેન્ડ (દક્ષિણ આફ્રિકન ચલણ)ની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો.મહારાજે જણાવ્યું હતું કે, ભારતથી આવનારા કથિત કન્સાઇનમેન્ટની કસ્ટમ ડયૂટી ચૂકવવાના બહાને રામગોબિને તેમની પાસેથી ૬૨ લાખ રેન્ડની લોન લીધી હતી અને આ સોદાના નફામાં તેમને હિસ્સો આપવાનું વચન આપ્યું હતું.વિશ્વમાં જાણીતા માનવ અધિકાર એક્ટિવિસ્ટ સ્વ.મેવા રામગોબિન અને ઈલા ગાંધીના પુત્રી આશિષલતાને ડર્બનની કોર્ટે ચુકાદા અને સજાને પડકારતી અપીલ કરવાની પરવાનગી આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો.કેસની સુનાવણી વર્ષ ૨૦૧૫માં શરૂ થઇ હતી. નેશનલ પ્રોસિક્યુટિંગ ઓથોરિટીના બ્રિગેડિયર હંગવાની મુલૌદ્ઝીએ આરોપ મૂક્યો હતો કે, રામગોબિને ભારતથી લિનન ભરેલા ૩ કન્ટેનર આવી રહ્યાં છે તેવું રોકાણકારોને સમજાવવા માટે ઉપજાવી કાઢેલાઇનવોઇસ અને દસ્તાવેજો રજૂ કર્યા હતા.વર્ષ ૨૦૧૫માં આશિષલતા રામગોબિનને ૫૦,૦૦૦ રેન્ડના જામીન પર મુક્ત કરાયાં હતાં.
આશિષલતા રામગોબિન પોતાને એક્ટિવિસ્ટ ગણાવે છે..!
મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશિષલતા રામગોબિન પોતાને પર્યાવરણ,સામાજિક અને રાજકીય હિતો માટેના એક્ટિવિસ્ટ ગણાવે છે.આ માટે તેમણે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર નોન વાયોલન્સની સ્થાપના કરી છે અને તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.મહાત્મા ગાંધીના ઘણા વારસો માનવ અધિકાર એક્ટિવિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે અથવા તો કરે છે.તેમાં રામગોબિનના પિતરાઇ એવા કીર્તિ મેનન,સ્વ.સતીશ ધુપેલિયા અને ઉમા ધુપેલિયાનો સમાવેશ થાય છે.રામગોબિનનાં માતા ઈલા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા એક્ટિવિસ્ટ છે.તેમને ભારત અને દક્ષિણ આફ્રિકા દ્વારા ઘણા રાષ્ટ્રીય સન્માન એનાયત કરાયાં છે.
કન્સાઇનમેન્ટને છોડાવવાનાં બહાને નાણાં પડાવ્યાં
ન્યૂ આફ્રિકા એલાયન્સ ફૂટવેર ડિસ્ટ્રિબ્યૂટર્સના ડિરેક્ટર એસ આર મહારાજને રામગોબિને જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાના હોસ્પિટલ ગ્રૂપ નેટકેર દ્વારા ભારતથી લિનનના ૩ કન્ટેનર આયાત થઇ રહ્યાં છે.તેના માટે કસ્ટમ અને આયાત જકાત ચૂકવવા મારી પાસે નાણાંની અછત છે.મને ૬૨ લાખ રેન્ડની જરૂર છે.આ માટે રામગોબિને મહારાજને પરચેઝ ઓર્ડરની કોપી બતાવી હતી.થોડા દિવસો બાદ રામગોબિને મહારાજને નેટકેરના ઇનવોઇસ અને ડિલિવરી નોટ પણ પુરાવા તરીકે મોકલી આપ્યાં હતાં.નેટકેરના બેન્ક ખાતામાં નાણાં જમા થયાનું કન્ફર્મેશન પણ રામગોબિને મહારાજને આપ્યું હતું.જોકે પાછળથી મહારાજને જાણ થઇ હતી કે નેટકેરના દસ્તાવેજો ઉપજાવી કાઢેલાં છે અને કંપની દ્વારા રામગોબિન સાથે કોઇ સોદો થયો નહોતો.