નવી દિલ્હી,25 એપ્રિલ,2022,સોમવાર : દુનિયાના દરેક દેશોને નાના માટા સરહદી વિવાદ ચાલતા હોય છે આવો જ વિવાદ આર્જન્ટિના અને બ્રિટન વચ્ચે ફોકલેન્ડ ટાપુને લઇને ચાલે છે.દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા આ ટાપુ માટે 1982માં બંને દેશો વચ્ચે યુધ્ધ પણ થયું છે.હાલમાં ફોકલેન્ડ બ્રિટનના નિયંત્રણ હેઠળ છે પરંતુ આર્જન્ટિના સતત દાવો કરતું રહે છે. આર્જન્ટિનાની દલીલ સ્પષ્ટ છે કે 21 મી સદીની દુનિયામાં કોલોનિયલ રાજનું કોઇ જ સ્થાન નથી.નવાઇની વાત તો એ છે કે ફોકલેન્ડ વિવાદને લઇને આર્જન્ટિનાના વિદેશમંત્રી કેફિરોએ ગઇ કાલે નવી દિલ્હી ખાતે એક કેમ્પેઇન મિશન લોંચ કર્યુ હતું.
ભારત ક્ષેત્રિય વિવાદોનો ઉકેલ લાવવામાં ઐતિહાસિક સહયોગ કરતું રહયું છે.આર્જન્ટિના માને છે કે ભારત ફોકલેન્ડ વિવાદને વાતચિત દ્વારા ઉકેલવાનું સમર્થન કરે છે.ભારત અને આર્જન્ટિના વચ્ચે હંમેશા ભાઇચારાનો સંબંધ રહયો છે.એટલું જ નહી વિદેશમંત્રી કેફિરોએ 1982માં ફોકલેન્ડ યુધ્ધ સાથે જોડાયેલા દસ્તાવેજો જાહેર કરવા બ્રિટન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી.બ્રિટને યુધ્ધ દરમિયાન પરમાણુ શસ્ત્રો ઉતાર્યા હતા તે જાપાનના હિરોશીમા પર ફેંકવામાં આવેલા અણુબોંબ કરતા 20 ગણા વધારે શકિતશાળી હતા.આથી આ લોન્ચિંગ સમારોહમાં ભાજપના પ્રવકતા શાઝિયા ઇલમી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સામેલ થવાના હતા પરંતુ હમણાં જ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ભારતની સફળ મુલાકાત લીધી હોવાથી તેવા સંજોગોમાં આર્જેન્ટનાના લોંચિગ કાર્યક્રમમાં હાજર રહેવું અસ્વભાવિક લાગતું હતુ.શાઝિયા કેમ્પેઇન લોંચ થાય તે પહેલા નિકળી ગઇ જયારે સુરેશ પ્રભુ વિદેશ પ્રવાસે હોવાથી હાજર રહી શકયા નહી.જો કે આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ શશી થરુર હાજર રહયા હતા જેમણે ઉપનિવેશવાદ સામે ભારતની ભૂમિકા અને ફોકલેન્ડ વિવાદના નિવેડા માટે વાતચિત જ યોગ્ય માર્ગ હોવાની વાત કરી હતી.
બ્રિટન અને આર્જન્ટિના વચ્ચેનો ફોકલેન્ડ વિવાદ
ફોકલેન્ડ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં આવેલો ટાપુ છે.12173 વર્ગ કિમી વિસ્તાર ધરાવે છે.આમ જોવા જઇએ તો તેની સરહદ આર્જન્ટિનાના દરિયાની વધુ નજીક છે.વર્ષ 2016 મુજબ માત્ર 3398 લોકોની વસ્તી ધરાવે છે.આર્જન્ટિનાનું માનવું છે કે આ ફોકલેન્ડ ટાપુ પર બ્રિટને 1833માં ગેર કાયદેસર રીતે કબજો કરી લીધો હતો.આર્જન્ટિના આ ટાપુને માલ્વિનસ તરીકે ઓળખાય છે અને પોતાનો જ હોવાનો દાવો કરે છે.બંને દેશો વચ્ચે આ ટાપુને લઇને સંબંધો ખાટા રહે છે.1982માં તો આર્જન્ટિનાએ ફોકલેન્ડ પર હુમલો કરીને પડાવી લેવાનો પ્રયત્ન કર્યો.શાહી બ્રિટને ફોકલેન્ડમાં પ્રતિકાર કરતા બંને દેશો વચ્ચે 3 મહિના સુધી યુધ્ધ ચાલ્યું હતું.આ યુધ્ધમાં આર્જેન્ટિનાની હાર થઇ હતી.ફોકલેન્ડ પર મમત્વનું કારણ તેનું સામરિક મહત્વ છે.પહેલા અને બીજા વિશ્વયુધ્ધ દરમિયાન બ્રિટને ફોકલેન્ડનો ઉપયોગ મિલિટરી બેઝ તરીકે કર્યો હતો.