યુનાઇટેડ નેશન્સ : સંયુક્ત રાષ્ટ્રસંઘનો શહેરી વસતિનો અહેવાલ રજૂ થયો હતો.અહેવાલ પ્રમાણે ભારતમાં ૨૦૨૩ સુધીમાં શહેરી વસતિમાં નોંધપાત્ર વધારો થશે.૨૦૩૫માં ભારતની ૬૭.૫ કરોડ વસતિ શહેરોમાં રહેતી હશે.એશિયાની કુલ વસતિમાંથી ૩૦૦ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે.સૌથી વધુ ૧૦૦ કરોડ લોકો ચીનના શહેરોમાં રહેતા હશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના શહેરી વસતિ-૨૦૨૨ના અહેવાલમાં કહેવાયું હતું કે વિશ્વની વસતિનું સતત શહેરીકરણ થઈ રહ્યું છે એ કોરોનાકાળ પછી પણ યથાવત રહેશે.કોરોનાકાળ પછી શહેરીકરણ ઘટશે એવી થિયરી વ્યક્ત થતી હતી.જોકે,શહેરીકરણનો ટ્રેન્ડ યથાવત રહેશે.અહેવાલ પ્રમાણે ૨૦૩૫માં ચીનની વસતિમાંથી ૧૦૦ કરોડ કરતાં વધુ લોકો શહેરોમાં રહેતા થઈ જશે.૬૭.૫ કરોડની શહેરી વસતિ સાથે ભારત આ યાદીમાં બીજા ક્રમે હશે.ભારતમાં ૨૦૨૦માં ૪૮ કરોડ કરતાં વધુ લોકો શહેરોમાં રહેતા હતા.૨૦૨૫માં એ આંકડો વધીને ૫૪ કરોડ જેટલો થઈ જશે.ત્યારબાદ બીજા ૧૦ વર્ષમાં એમાં મોટો ઉછાળો આવશે અને ૨૦૩૫માં ભારતના ૬૭.૫ કરોડ લોકો શહેરોમાં રહેતા થઈ જશે.
૨૦૩૫માં એશિયામાં સૌથી વધુ ૩૦૦ કરોડ લોકો શહેરોમાં રહેતા હશે.એમાંથી ૧૦૦ કરોડ લોકો તો એકલા દક્ષિણ એશિયાના જ શહેરોમાં રહેતા હશે.અહેવાલ પ્રમાણે ૧૯મી અને ૨૦મી સદીમાં જે રીતે શહેરીકરણ મહત્વનું પરિબળ બન્યું હતું એ જ રીતે ૨૧મી સદીમાં પણ શહેરીકરણ બહુ જ મોટું પરિબળ રહેશે.શહેરીકરણ ૨૧મી સદીમાં સતત વધતું રહેશે.તે ઉપરાંત શહેરોની વસતિના જન્મદરમાં પણ નોંધપાત્ર વધારો થશે.બંનેના કારણે સરવાળે શહેરોની વસતિ વધતી જશે.
૨૦૫૦સુધીમાં દુનિયાની શહેરી વસતિમાં ૨૨૦ કરોડ લોકો ઉમેરાશે.૨૦૫૦ સુધીમાં વૈશ્વિક વસતિમાં શહેરોમાં રહેતા લોકોની વસતિ ૬૮ ટકા સુધી પહોંચી જશે.અત્યારે દુનિયાના ૫૬ ટકા લોકો શહેરોમાં રહે છે. ૨૦૫૦ સુધીમાં માંડ ૩૨ ટકા લોકો ગામડાંઓમાં રહેતા હશે.અત્યારે દુનિયાની ૪૪ ટકા વસતિ ગામડાંમાં રહે છે.શહેરોમાં વસતિ વૃદ્ધિનો ટ્રેન્ડ આગામી દશકાઓમાં યથાવત રહેશે.