મુંબઈ : ૧૦૦ કરોડ રૃપિયાની વસૂલી અને મની લોન્ડરિંગના કેસમાં સીબીઆઈએ આજે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના પી.એ. સંજીવ પાલાંડે,પી.એસ.કુંદન શિંદેને આર્તર રોડની જેલમાંથી તાબામાં લીધા હતા જ્યારે મનસુખ હિરણ હત્યા પ્રકરણે મુંબઈ પોલીસ દળના બરતરફ કરાયેલા અધિકારી સચિન વાઝેને તળોજાની સેન્ટ્રલ જેલમાંથી તાબામાં લીધા હતા.અહીંની એક વિશેષ પીએચએલએ કોર્ટે આર્તર રોડ જેલના સુપ્રિન્ટેન્ડન્ટને દેશમુખ,પાલાંડે અને શિંદેનો તાબો કેન્દ્રીય એજન્સીઓને સોંપવાનો નિર્દેશ કર્યો હતો.જ્યારે એનઆઈએ કોર્ટે નવી મુંબઈની તળોજા જેલના સુપ્રિન્ટેન્ડન્ટને એક પત્ર લખી વાઝેને સોંપવાનો નિર્દેશ કર્યો હતો.ત્યારબાદ આ ચારેયને તાબામાં લેવા કેન્દ્રીય તપાસ યંત્રણાએ તજવીજ હાથ ધરી હતી.
એન્ટીલિયા સ્ફોટક પ્રકરે કારન ામાલિક મનસુખ હિરણની હત્યા પ્રકરણે એનઆઈએએ સચિન વાઝેની માર્ચ ૨૦૨૧માં ધરપકડ કરી હતી.તેમજ ઈડીએ ૧૦૦ કરોડની વસૂલી પ્રકરણે અનિલ દેશમુખની ધરપકડ કરી હતી.આ પ્રકરણે ત્યારબાદ દેશમુખના બન્ને પીએની પણ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ ચારેયની ધરપકડ કરવા વોરન્ટ મેળવ્યું હતું.તેના આધારે એજન્સીએ વિશેષ પીએમએલએ કોર્ટ અને વિશેષ એનઆઈએ કોર્ટમાં ધા નાંખી હતી.આ સાથે જ ૨૧ એપ્રિલ ૨૦૨૧ના અનિલ દેશમુખ સામે નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં તેમની ધરપકડ કરવાની માગણી કરી હતી.તે મુજબ મની લોન્ડરિંગ પ્રતિબંધ કાયદાની વિશેષ કોર્ટે શુક્રવારે દેશમુખ,પાલાંડે અને શિંદે આ ત્રણેયને આર્થર રોડ જેલમાંથી તાબામાં લેવાની પરવાનગી સીબીઆઈને આપી હતી.તેમજ શુક્રવારે એનઆઈએની વિશેષ કોર્ટે સીબીઆઈને તળોજા કોર્ટમાં બંંધ મુંબઈના બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેને તાબામાં લેવાની પરવાનગી આપી હતી.
અનિલ દેશમુખને જે.જે.હોસ્પિટલમાં ખસેડાયા
દરમિયાન આર્તર રોડ જેલમાં બંધ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ જેલના બાથરૃમમાં લપસી પડતા તેમને ખભામાં માર વાગ્યો હતો અને ખભોે ડિસલોકેટ થઈ ગયો હતો.તેમને વધુ સારવાર અને ઓપરેશન માટે જે.જે.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સંદર્ભે વિગતવાર માહિતી જે.જે. હોસ્પિટલ તરફથી ટૂંક સમયમાં આપવામાં આવશે.