મુંબઈ : ગત બે વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિને કારણે મહારાષ્ટ્રના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર ગંભીર પરિણામ થયાં છે.બાળ હક્ક સ્વયંસેવી સંસ્થા અને ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ(ક્રાય)એ કરેલ સર્વેક્ષણ મુજબ,ખેતી તેમજ અન્ય ઉદ્યોગ ક્ષેત્રોમાં કામ કરનારા બાળમજૂરોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધ્યું છે.આ પ્રમાણ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહિ તો મુંબઈ જેવા શહેરમાં પણ વધેલું જોવા મળ્યું છે.
ક્રાય સંસ્થાએ જાલના,અહમદનગર,પરભણી,લાતુર,વર્ધા,નંદુરબાર આ છ જિલ્લામાં કરેલ સર્વેક્ષણ મુજબ,ત્યાંના બાળમજૂરોની સંખ્યા જે ૨૦૨૦માં ૨,૫૫૬ હતી તે ૨૦૨૧માં ૩,૩૫૬ જેટલી વધી ૨૦૨૨માં આ આંકડો ૩,૩૦૯ એ પહોંચ્યો છે.સ્કૂલો બંધ થવી,ઓનલાઈન ક્લાસ માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને મોબાઈલ ફોનનો અભાવ,ઘરની વ્યક્તિ નોકરી ગુમાવતાં માથે પડેલી જવાબદારી તેમજ લાંબો સમય ચાલેલી એસટી બસ હડતાળની અસર બાળકોના લાંબા શૈક્ષણિક ભવિષ્ય પર જોવા મળી છે.
ગ્રામીણ વિસ્તાર પ્રમાણે જ શહેરી વિસ્તારની પરિસ્થિતિ પણ ખાસ કંઈ જુદી નથી.સર્વેક્ષણ દરમ્યાન બાંદરાના રાહુલ નગર,સાયન કોલીવાડા અને માનખુર્દના ચિત્તા કેમ્પમાં ૧૪ થી ૧૮ વર્ષની વયજૂથના ૫૮૯ બાળકોમાંથી ૧૪૫ બાળકો હાલ વિવિધ પ્રકારના કામ કે નોકરીમાં જોડાઈ ગયા છે.જોકે આમાંની ૮૪ છોકરીઓ રસોઈ,ઝાડું-પોતા કરવા,વાસણ ધોવા,બેબી કેર કે વૃદ્ધની દેખરેખ રાખવી જેવા ઘરકામોમાં જોડાઈ ગઈ હોવાનું સર્વેક્ષણમાં જણાયું છે.સર્વેક્ષણમાં સહભાગી થયેલ ૬૪ ટકા લોકોને આર્થિક પરિસ્થિતિ અને પૈસાંને અભાવે બાળકોને કામે મોકલવા પડે છે.
કેટલાંક બાળકો કામ નિમિત્તે આસપાસના શહેરોમાં પણ સ્થળાંતરિત થયાં છે.મુંબઈ,પુણે,બીડ,દૌંડ,મનમાડ,ઔરંગાબાદ,નાસિક શહેરોમાં ઘરકામગાર,ભિખારી,મજૂર કે કારખાનામાં કામગાર તરીકે પણ આ બાળકો જોડાઈ ગયા છે.તો કેટલાંક બાળકોએ ગ્રામીણ ભાગમાં ભણતર મૂકીને ખેતીમાં જોડાવાનું પસંદ કરી લીધું છે. જેથી રાજ્યમાં બાળમજૂરોની સંખ્યા વધેલી જણાઈ છે