ન્યૂયોર્ક,૨૩ ફેબુ્આરી,૨૦૨૨,બુધવાર : યુક્રેન વિવાદમાં રશિયા અને અમેરિકા આમને સામને જોવા મળે છે.સોવિયત સંઘના જમાનામાં રશિયા સાથે રહેલું યુક્રેન કોઇ પણ ભોગે યૂરોપ અને અમેરિકાના નાટો દેશો સાથે જોડાય તે રશિયાને પસંદ નથી.યુક્રેન ભલે સ્વતંત્ર દેશ હોય પરંતુ તેનો ઇતિહાસ રશિયા સાથે જોડાયેલો હોવાથી રશિયાને બફર સ્ટેટ સમજે છે.આથી રાષ્ટ્રપતિ વ્લાદિમેર પૂટિન જરુર પડે યુક્રેન પર હુમલો કરીને પણ અજેય રહેવા માંગે છે.બીજી બાજુ અમેરિકા રશિયાની સોવિયત સંઘના સમયના માનસિકતાનો વિરોધ કરે છે પરંતુ પૂટિન ધાર્યુ કરીને યુક્રેનના બે પ્રાંત લુહાસ્ક અને ડોનેસ્કને અલગ દેશ જાહેર કરીને અમેરિકાને પડકાર ફેંકયો છે.
અમેરિકાની વર્લ્ડ લિડરશીપને પડકારનારા પૂટિનના વખાણ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ કર્યા છે.ટ્રમ્પે આપેલા એક નિવેદનમાં યૂક્રેનના બે પ્રાંતોને જુદા પાડીને સૈન્ય મોકલવાના પૂટિનના નિર્ણયની પ્રશંસા કરીને ટ્રમ્પે ઇઝ જીનિયસ કહયા છે.એક રેડિયો કાર્યક્રમ ધ કલે ટ્રેવિસ એન્ડ બક સેકસટન શો પર યુક્રેન સામે રશિયાએ ભરેલા પગલાને સ્માર્ટ અને અદ્રીતિય ગણાવ્યું હતું.ટ્રમ્પે કહયું કે મેં ટીવી પર જોયું છે કે યુક્રેનના બે મોટા ભાગને સ્વતંત્ર જાહેર કરીને હવે તે શાંતિદૂત બનવા જઇ રહયા છે.
ટ્રમ્પે ઉમેર્યુ કે આ એવી વ્યકિત છે જે ખૂબજ જાણકાર છે.જેને હું ખૂબ સારી રીતે ઓળખું છું. યુક્રેન મામલે બ્રિટન,યુરોપ તથા અમેરિકાનું બાઇડન પ્રશાસન પૂટિનના પગલાનો ઘોર વિરોધ કરી રહયું છે.સંયુકત રાષ્ટ્રસંઘની ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે ત્યારે ટ્રમ્પે પોતાના જ દેશની નીતિનો વિરોધ કરતા હોય એવું બયાન આપીને સૌને ચોંકાવી દીધા છે.